વિરોધ@અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ, રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ લગાવાયી

 
કાર્યાલય

રાજીવ ગાંધી ભવન ખાતે 20થી25 કાર્યકરોનું ટોળુ ત્રાટકયુ હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના વિધાનોથી સર્જાયેલા રાજકીય વિવાદ વચ્ચે આજે વ્હેલીસવારે અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 20થી25 શખ્સોના ટોળાએ ત્રાટકીને પથ્થરમારો કરવા સાથે તોડફોડ કરતા સનસનાટી મચી ગઈ છે. કાર્યકરોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્પ્રેથી કાળી શાહી પણ લગાવી હતી.

અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય એવા રાજીવ ગાંધી ભવન ખાતે 20થી25 કાર્યકરોનું ટોળુ ત્રાટકયુ હતું.બજરંગદળ તથા વિશ્ર્વહિન્દુ પરિષદના કાર્યકરો કાર્યાલયના ગેટ પરથી કુદીને અંદર ઘુસી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી.આ ઘટનાને પગલે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સનસનાટી મચી હતી. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન લોકસભામાં એમ કહ્યું હતું કે પોતાને હિન્દુ ગણાવતા લોકો દ્વારા જ હિંસા-નફરત ફેલાવવામાં આવે છે. આ વિધાનોને ભાજપે હિન્દુઓને હિંસક કહ્યાનું ગણાવીને વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી પાસે માફીની પણ માંગ કરવામાં આવી હતી.


અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાથી સનસનાટી વચ્ચે બજરંગદળનાં પ્રમુખ લલીત મહેતાએ જણાવ્યું હતું કે ધર્મ માટે કરેલી હિંસા અહીંસા બરાબર જ હોવાનું હિન્દુ ધર્મમાં કહેવાયું છે. કોંગ્રેસ અહિંસાની વાતો કરે છે પરંતુ શીખ રમખાણો વખતે આવા વિધાનો કેમ કર્યા ન હતા.રમખાણો કોંગ્રેસે જ કરાવ્યા હતા. કાશ્મીરી પંડીતો સાથે અન્યાય વખતે કોંગ્રેસ કેમ ચૂપ હતી?રાહુલ ગાંધીના હિન્દુ વિશેના વિધાનોથી સર્જાયેલા રાજકીય હંગામા વચ્ચે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો-તોડફોડની ઘટના વિશેના આકરા પ્રત્યાઘાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીશ દોશીએ કહ્યું કે ભાજપનુ આ કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અંધારામાં આવીને કોંગ્રેસ કાર્યાલય પર હુમલો-તોડફોડ કરવામાં આવી છે.