વિરોધ@રાજસ્થાન: દરગાહની દિવાલનો ગેટ હટાવતા હિંસા, પથ્થરમારો તેમજ દુકાન અને ટ્રેકટરને આગ લગાડાઈ

 
વિરોધ

પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ઘરમાં ખસેડયા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કજો

જોધપુરમાં સંવેદનશીલ માનવામાં આવતા સુરસાગરમાં દરગાહની દિવાલનો ગેટ હટાવવાના મામલે વિવાદ અને શાંતિ બાદ ફરી રાત્રે અચાનક પથ્થરમારો કરવામાં આવતા હિંસા ભડકી હતી. મોડી રાત સુધી ધમાલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હિંસા વચ્ચે એક દુકાન અને ટ્રેકટરને આગ લગાડવામાં આવી હતી. પથ્થરમારામાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ઘરમાં ખસેડયા હતા.

ચાર-પાંચ રાઉન્ડ અશ્રુવાયુના સેલ છોડવામાં આવ્યા બાદ પોલીસ અને આરએસીની ટીમો ખડકવામાં આવી છે. મોડી રાત્રે સ્થિતિ નિયંત્રણમાં આવ્યાનું પોલીસે કહ્યું હતું. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. રાજારામ સર્કલ પાસે ઇદગાહની પાછળના ભાગની દિવાલમાંથી બે ગેટ કાઢવાનું કામ શરૂ કરવામાં આવતા વિસ્તારવાસીઓએ વિરોધ કર્યો હતો અને બે જુથ આમને સામને આવી જતા પથ્થરમારો, તોડફોડથી તનાવ ફેલાયો હતો. અત્યાર સુધીમાં 15 થી 20 બદમાશોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે કહ્યું કે, પથ્થરમારાનું કારણ તાત્કાલીક જાણવા મળ્યું નથી. સમાધાન બાદ ફરી હાલત બગડતા બે જુથ વચ્ચે ટકરાવ થઇ ગયો હતો. આ બાદ પોલીસે માંડ મામલો શાંત પાડયો છે.