આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ખેડૂતોને દિવસ દરમ્યાન થ્રી ફેઝ વીજળી મળી રહે તે માટે રાધનપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ સમારોહ સંપન્ન થયો. આ યોજનાના અમલીકરણથી રાધનપુર તાલુકાના 30 ગામોના લાભાર્થીઓને દિવસના સમયે વિજળી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આગાઉના સમયમાં ખેડૂતોને આખા દિવસના પરિશ્રમ બાદ રસોઈનો સમય થાય કે પશુ દોહવાનો સમય થાય તેવા સમયે વીજ પુરવઠો મળતો ન હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીવાના પાણીનો બોર કે ગામના કોઈ પ્રસંગ સમયે વીજળી ન હોવાથી મુશ્કેલી પડતી હતી. ખેડૂતોને પડતી આવી મુશ્કેલીઓને પગલે વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ 24 કલાક વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો. માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.

વધુમાં કેબિનેટ મંત્રીએ ઉમેર્યું કે, ખેતી માટે રાત્રીના સમયે વીજળી આપવામાં આવતી હતી જેના કારણે ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરવા પડતા, જંગલી પશુઓ કે જીવજંતુઓ કરડવાનો ડર રહેતો, સાથે જ તેમના પરિવારજનો પણ ચિંતામાં રહેતા. ખેડૂતોની આવી મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોની દરકાર કરી કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસના સમયે વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતોને દિવસે આઠ કલાક થ્રી ફેઝ વીજળી મળતા તેની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે.

ખેડૂતહિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, માત્ર ખેડૂતોનું દેવું માફ કરવાથી નહીં પરંતુ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી, સમયસર જરૂરી વીજ પુરવઠો અને ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે સુનિશ્ચિત કરી છે. જેના થકી ખેડૂત આત્મનિર્ભર થશે અને તેની આવકમાં વૃદ્ધિ થશે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મહેસાણા સર્કલના તાબા હેઠળના રાધનપુર સબ સ્ટેશન અને તે અંતર્ગત 5 ફિડરોનો સમાવેશ કરી કુલ 30 જેટલા ગામોના 830 ખેડૂત લાભાર્થીઓને દિવસના સમયે વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. સમારંભની શરૂઆતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનના પગલે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, મંચસ્થ મહાનુભાવો તથા ઉપસ્થિત ખેડૂતો દ્વારા મૌન પાળી દિવંગતને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત યોજાયેલ સમારોહ સાદગીપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ કરશનભાઈ ચૌધરી, તાલુકા સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, રાધનપુર એ.પી.એમ.સી.ના ચેરમેન અમથાભાઈ ચૌધરી, યુ.જી.વી.સી.એલ.ના પાલનપુર સર્કલના વિશેષ મુખ્ય ઈજનેર એલ.એ.ગઢવી, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, યુ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code