રાધનપુર: 5 વર્ષથી હોસ્પિટલ આગળ પાણી ભરાવાનો પ્રશ્ન, તંત્ર સામે આક્રોશ

અટલ સમાચાર,પાટણ
પાટણ જીલ્લાના રાધનપુરમાં છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલ આગળ પાણી ભરાવાને લઇ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે. રાધનપુર રેફરલ હોસ્પિટલના મેઇન દરવાજા આગળ થોડાક વરસાદમાં જ પાણી ભરાઇ જાય છે. જેથી લોકો અને દર્દીઓને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. રેફરલ હોસ્પિટલ નજીક મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છતાં તંત્ર ઘ્વારા આ બાબતે કોઇ પગલા લેવાતા નથી.
રાધનપુરની રેફરલ હોસ્પિટલ નજીક ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી પ્રવેશ દ્વાર પાસે મિનિ તળાવ બંને છે. સરકારી હોસ્પિટલ નજીક તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી આવેલી છે. સરકારી બાબુઓ ચોમાસામાં પાણી ભરાવાના દ્રશ્યો જુએ છતાં આંખ આડા કાન કરી નિકળી જાય છે. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ અને સરકારી કચેરીઓમાં આવતા અરજદારો પાણી ભરાવાને કારણે ત્રાહિમામ પોકારી જાય છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી તેવા સવાલો ઉઠી રહયા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સમસ્યા છેલ્લા 5 વર્ષથી ઠેરની ઠેર છે. હોસ્પિટલમાં દર્દીને ખાસ કરીને મહિલાઓ કપડા ઊંચા કરીને નિકળવું પડે છે. તેમજ સ્કુલથી બાળકોને પણ આવવા જવાની તકલીફનો સામનો કરવો પડે છે. હજુ તો ચોમાસુ શરૂ જ થયું છે તો આવી પરિસ્થિતિ છે ભરચોમાસે કેવી પરિસ્થિતિ હશે તેવા સવાલો પણ ઉભા થયા છે.