ખળભળાટ@રાધનપુર: કોર્ટના તત્કાલીન રજીસ્ટારે 2 પોલીસ સ્ટેશનનો 8 લાખનો માલ વાપરી નાખ્યો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર
રાધનપુર કોર્ટના તત્કાલીન રજીસ્ટાર કમ નાઝર સામે એક જ દિવસે 2 પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં જમા કરાવવામાં આવેલ કિંમતી મુદ્દામાલ ઓછો જણાતાં કોર્ટ દ્વારા તપાસ થઈ હતી. જેમાં બીજું કોઇ નહિ પણ ખુદ કોર્ટના રજીસ્ટારે 2 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ જમા લેવાને બદલે પોતે વાપરી નાખ્યો હોવાનું પકડાયું છે. રજીસ્ટાર કમ નાઝરે ફરજમાં બેફામ બની વર્ષ 2010થી 2014 દરમ્યાન બેફામ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી રાધનપુર કોર્ટના આસીસ્ટન્ટ(જુ.ક્લાર્કે) આરોપી રજીસ્ટાર ઇસમ વિરૂધ્ધ એક જ દિવસે 2 અલગ-અલગ ફરીયાદ નોંધાવી છે. કાયદો અને વ્યવસ્થા માટેની સિસ્ટમમા કામ કરતાં કર્મચારીની હરકત બહાર આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાની રાધનપુર કોર્ટના પુર્વ રજીસ્ટાર કમ નાઝર સામે સરેરાશ 8 લાખની નાણાંકીય ઉચાપતની ફરીયાદ નોંધાઇ છે. રાધનપુર કોર્ટમાં અગાઉ ફરજ બજાવતાં રજીસ્ટાર કમ નાઝર રમેશભાઇ ગોવિંદભાઇ સોલંકીએ 1 જાન્યુઆરી 2010થી 31 ડીસેમ્બર 2014 સુધી કોર્ટમાં નોકરી કરી મોટું કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્રારા જમા કરાવાયેલ કિંમતી મુદ્દામાલ કોર્ટમાં જમા લેવાને બદલે પોતાના અંગત કામે ઉચાપત કર્યાનુ સામે આવ્યું છે. કોર્ટના જજે તપાસ કરાવતા ઉચાપતનો ગંભીર ઘટસ્ફોટ થયો છે. રાધનપુર કોર્ટના આસીસ્ટન્ટ (જૂ.ક્લાર્ક) હિતેશ બળદેવભાઇ શુક્લાએ તપાસને અંતે ઇસમ વિરૂધ્ધ કુલ 2 ફરિયાદ નોંધાવી છે. જેમાં 2014ના સમયગાળામાં સાંતલપુર પોલીસ સ્ટેશન દ્રારા જમા કરાવાયેલ કિ.રૂ.3,22,154 નો મુદ્દામાલ સ્વિકારી કોર્ટના રજીસ્ટરમાં એન્ટ્રી નહી કરી ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુર કોર્ટના પુર્વ રજીસ્ટાર કમ નાઝર સોલંકીએ 2014માં સાંતલપુર પોલીસનો કિ.રૂ.3,22,154નો મુદ્દામાલ અને વારાહી પોલીસ સ્ટેશન દ્રારા જમા કરાવાયેલ કિ.રૂ.2,91,331 ના મુદ્દામામાં પણ ઉચાપત કર્યાનું ખુલ્યુ છે. આ સાથે સાંતલપુર પોલીસ સ્ટેશનનો વધુ એક મુદ્દામાલ કિ.રૂ.1,90,290ની પણ ઉચાપત કરી હતી. ઉચાપત થઈ હોવાથી રાધનપુર પોલીસ સ્ટેશનમાં આઇપીસી 409 અને ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમની કલમ 13(1)(c), 13(1)(d)(ii) મુજબ ગુનો નોંધાયો છે. આ સાથે વારાહી અને સાંતલપુર પોલીસનો મળી 4.81 લાખના મુદ્દામાલ ઉચાપત કેસમાં આઇપીસી 409 અને ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમની કલમ 13(1)(c), 13(1)(d)(ii) મુજબ ગુનો નોંધાયો છે.
