રાફડો@સીંગવડ: મનરેગાના નામે બોગસ વેપાર, રેશિયો સાથે રમત કરતાં ભાગીદારોનો રીપોર્ટ વાંચો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં જાણે કોઈ કહેનાર ના હોય, દેખરેખ ના હોય તેમ અહીં મનરેગામાં ગંભીર પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે. કહેવત છે કે, વાડ જ ચીભડાં ગળે ત્યાં શું કરવું તેમ મનરેગાના અમલદારો જ રોજગારીને બદલે મટીરીયલનો વેપાર કરી/કરાવી રહ્યા છે. આ વેપાર પણ હકીકતનો નહિ, મનફાવે તેના બોગસ બીલો મૂકી/મૂકાવી મટીરીયલ ગ્રાન્ટ પાડી રહ્યા છે. સીંગવડ તાલુકામાં તમે તટસ્થ તપાસ કરો તો ગામેગામ મનરેગા કૌભાંડનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અનેક ટીડીઓ આવી ગયા પરંતુ એપીઓ, તેમની ટીમ અને એજન્સીઓની માફક વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા છે. ગત 5 નાણાંકીય વર્ષમાં બેફામ રીતે અને કેવીરીતે અહીં રેશિયો સાથે રમત થઇ તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ સાહેબોને સમર્પિત.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાંથી સાંસદ જશવંતભાઇ ભાભોર આવે છે અને અહીંથી જ સાંસદના ભાઇ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે. હવે સીંગવડ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ બંને નેતાજીની પારદર્શક કામગીરી ઉપર છાંટા ઉડે તેવું મનરેગામાં કર્યું છે. આમ તો મનરેગા યોજના ગ્રામીણ બેરોજગારોને વર્ષમાં 100 દિવસ હક્કની રોજગારી આપવા માટે છે. જોકે સીંગવડ તાલુકા પંચાયતના મનરેગા શાખાએ રોજગારીને બદલે મટીરીયલનો વેપાર બનાવી દીધો છે. 100 રૂપિયાના ખર્ચમાં 60 રૂપિયા રોજગારી એટલે કે લેબરનો આપવા અને 40 રૂપિયાનુ જ મટીરીયલ ખરીદવું તેવી જોગવાઈ છે. જોકે સીંગવડ તાલુકા પંચાયતમાં જાણે મનરેગા નિયમની ઐસીતૈસી હોય તેમ લેબર ખર્ચ કરતાં ડબલ ત્રિપલ રૂપિયા મટીરીયલ વેપારમાં ખર્ચ કરી રહ્યા છે. મનરેગામાં અમર્યાદિત ગ્રાન્ટ હોવાનો ગેરલાભ ઉઠાવી અહીં રીતસર બોગસ ખરીદ વેચાણના બીલો મૂકી વર્ષે કરોડો રૂપિયાનુ કૌભાંડ થઈ રહ્યું છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે લાભાર્થીના વ્યક્તિગત કામો લીધા હોય ત્યાં ખુદ લાભાર્થીને ખબર પણ ના હોય અને તેની જગ્યાએ કામ થઇ ગયું હોય. લાભાર્થીની જગ્યામાં લાભાર્થીને રોજગારીનો એક પૈસો પણ ના મળ્યો હોય અને અન્ય ઈસમો લાભાર્થીની જગ્યામાં મજૂરી કરી ગયા હોય. અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો વહીવટ સીંગવડ તાલુકાના મનરેગા હેઠળ થતો હોવા છતાં ટીડીઓ, ડીડીઓ, કમિશ્નર કે સચિવ અજાણ કેમ તે સૌથી મોટો સવાલ છે. આજની તારીખે પણ સીંગવડ તાલુકાના જે ગામોમાં વર્ષે કરોડોના કામો થયા ત્યાં તપાસ કરવા ટીમ ઉતરી જાય તો એક બે નહિ ભ્રષ્ટાચાર હેઠળ અસંખ્ય પોલીસ ફરિયાદ કરવી પડે તેવી સ્થિતિ છે. એકબીજાના મેળાપીપણામાં અને ભ્રષ્ટાચારની ભાગીદારીમાં છેલ્લા 5 વર્ષમથી માંડી આજસુધી કોણે બેનંબરી કાળું નાણું મનરેગા હેઠળ ભેગું કર્યું તેનો ઘટસ્ફોટ ટૂંક સમયમાં.