વરસાદ@અમદાવાદ: હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થિનીઓ અટવાઈ, મકરબામાં ઘરોમાં ઘૂસ્યા ગટરના પાણી

 
વરસાદ
1000થી વધુ ઘરોમાં ગંદા પાણી ઘૂસતા લોકોએ સરકારી શાળામાં આશરો લેવો પડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં પાણી ભરવાની સમસ્યા છે. હોસ્ટેલની મેસમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સમગ્ર મેસ જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની હાલત અત્યંત વિકટ બની છે. હોસ્ટેલની અંદરથી લઈને બહાર રોડ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અહીં રહેતી 1000 જેટલી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. સતત ભરાયેલા પાણીના કારણે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે ખાવા-પીવાથી લઈને આવવા-જવાની મોટી આફત ઊભી થઈ છે. ત્યારે હોસ્ટેલનો વીડિયો વાઇરલ થતા લોકો યોગ્ય અને તાત્કાલિક પગલા ભરવા માગ કરી રહ્યા છે.

સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખુલી ગઈ છે. વરસાદ રોકાયા બાદ પણ મકરબા વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છતાં ગટરોના પાણી બેક મારતા ચારેતરફ કેડ સુધી પાણી જોવા મળ્યા છે. સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાતો તેમજ રાહદારીઓ રસ્તા બંધ હોવાથી અધવચ્ચે જ અટવાયા.પરિસ્થિતિ એટલી વિકટ બની કે મકરબા ઈન્દિરાનગરના એક હજારથી વધુ ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતાં લોકોને સરકારી શાળામાં આશરો લેવાની ફરજ પડી. લોકોએ કહ્યું કે, ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને કોર્પોરેશનની નિષ્ફળ કામગીરીથી પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી હોવા છતાં, કોઈ સ્થાનિક નેતા કે ધારાસભ્ય મદદે ફરક્યા સુધ્ધાં નહીં. પ્રજાના ટેક્સના પૈસે માત્ર કાગળ પર જ વિકાસ થયો હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.

ઇન્ડિયન આર્મીના જવાનો દ્વારા બોપલના કેટલાક વિસ્તારોમાં હોળી લઈને સોસાયટીના રહીશોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આર્મીની અલગ અલગ ટીમ દ્વારા રહીશોનું અલગ અલગ બોટમાં બેસાડીને એક જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ લઈ જઈને સ્થળાંતર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું.