વરસાદ@છોટાઉદેપુર: અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, અશ્વિન નદીમાં ઘોડાપૂર આવતા યુવક ફસાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અતિભારે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવાથી તે ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ ગઈ છે. આ સાથે જ છોટાઉદેપુર નગરપાલિકાનો ચેક ડેમ આ ચોમાસામાં બીજી વખત સંપૂર્ણપણે છલકાઈ ગયો છે.નદીઓ બે કાંઠે થવાથી અને જળસંચય વધવાથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઊભી થયેલી કૃત્રિમ આપત્તિઓએ મુશ્કેલીઓ પણ વધારી છે.
નર્મદા જિલ્લાને છોટાઉદેપુર સાથે જોડતા મહત્વના નેશનલ હાઈવે નંબર 56 ઉપર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા છોટાઉદેપુર અને નર્મદા તરફ અવરજવર કરતા રાહદારીઓ તથા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. લોકો પાણી ઓસરે તેની રાહ જોઈને રસ્તા પર અટવાયા છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં અશ્વિન નદી બેકાબૂ બનીને ઘોડાપૂરની સ્થિતિમાં આવી ગઈ. અશ્વિન નદીમાં આવેલા અચાનક પૂરના કારણે નસવાડીના જલારામ મંદિર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા અને ગામની અંદર પાણી ઘૂસી જવાથી સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ઘોડાપૂર દરમિયાન વાલપુર ગામનો એક યુવક નદીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેને સુરક્ષિત બહાર લાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.

