વરસાદ@ગુજરાત: આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ, જૂનાગઢમાં હાઇવે ધોવાયો, મેંદરડામાં 19 લોકોનું રેસ્ક્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર.દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર.
માણાવદર તાલુકાના બૂરી ગામે મૂશળધાર વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં ઓએનજીસી (ONGC) કંપનીના 10 કર્મચારીઓ ફસાયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલરૂમની સૂચનાથી હોમગાર્ડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. પૂરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને તમામ 10 કર્મચારીઓને કોઈપણ ઈજા વગર હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મેંદરડાના સમઢીયાળા ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં એક રિક્ષા, કાર અને ઈકો ગાડીમાં બાળકો તેમજ વૃદ્ધો સહિત 19 જેટલા લોકો ફસાયા હતા. ઈમરજન્સી નંબર 112 પરથી માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ફાયર સ્ટેશનની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ડિવિઝનલ ફાયર ઓફિસરની આગેવાનીમાં, પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવા છતાં ફાયર સર્વિસની ટીમે ભારે સુઝબુઝ અને સાહસપૂર્વક ઓપરેશન હાથ ધરીને તમામ 19 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું.કેશોદ અને માંગરોળ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-51 પર હુસૈનાબાદ નજીક પૂરના પાણી ફરી વળતાં માર્ગને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે જનતાની સુરક્ષા અર્થે આ હાઈવે પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સોમનાથથી દ્વારકા તરફ જતા વાહનચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે સોમનાથ-જેતપુર-પોરબંદર-દ્વારકા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. હાલ NHAI ની રાજકોટ ટીમ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને સમારકામ પૂર્ણ થતાં જ આ હાઈવે ફરી ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

