રાજનીતિ@દેશ: PM મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, વિદેશી નેતાઓને અપાયું આમંત્રણ

 
Shapath
મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી

અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે હવે PM મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.

ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે 'આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું. 'મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી. આજે તેમને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2014માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે BIMSTEC દેશોના નેતાઓએ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.