રાજનીતિ@ગુજરાત: ભાજપ જેના દમ પર શક્તિશાળી બન્યો, તેને કોની નજર લાગી? વિરોધ વચ્ચે ઉભો થયો પડકાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિનો શ્રેય તેની સંગઠન ક્ષમતાને અપાય છે પરંતુ હવે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી નજીક છે અને પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી તે પછી તો જાણે અસંતોષનો રાફડો ફાટી રહ્યો છે. પાર્ટીના જૂના જોગીઓને પાર્ટીમાં જે રીતે કોંગ્રેસી નેતાઓનું આગમન થઈ રહ્યું છે તેના પર ચિંતાનું મોજું ફરી વળતું દેખાય છે. તાજેતરમાં અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપ તરફ વળ્યા છે.
ભરતી મેળાથી કાર્યકરોમાં અસંતોષ?
વડોદરામાં તો પાર્ટીના એક કાર્યકરે કાયદેસર રીતે ભાજપ (શ્યામાપ્રસાદ મુખરજી) નામથી એક પાર્ટી ઊભી કરવાની તૈયારી પણ કરેલી છે. અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ હેઠળ ભાજપનો જે ભરતી મેળો થયો તેમાં કોંગ્રેસ અને આપના લગભગ 5 હજારથી વધુ નેતાઓ પક્ષમાં જોડાયા હતા. ત્યારે એ જાણવું પણ જરૂરી બને કે શું આવા ભરતીમેળાથી પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે?
જે રીતે બીજી પાર્ટીમાં આવતા લોકોને પાર્ટીમાં ભાવ મળી રહ્યો છે તેનાથી પાર્ટીમાં મન દઈ સેવા કરનારા કાર્યકરો જાણે નારાજ જોવા મળી રહ્યા હોય તેવું લાગે છે.વિરોધ પાછળ મૂળ કારણ એ પણ છે કે ગુજરાતમાં ચૂંટણીની બરાબર પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા પૂર્વ વિધાયકની પત્નીને ઉમેદવાર બનાવી દેવાયા છે. બીજી બાજુ અમરેલી, વલસાડ, જૂનાગઢ, રાજકોટમાં વિરોધ સતત ચાલુ છે પરંતુ કારણો અલગ અલગ છે. મળતી માહિતી મુજબ લગભગ અડધો ડઝન બેઠકો પર અસંતોષ હોવાનું સામે આવ્યું છે.
એક સમયે પોલીસની નોકરીમાં રહી ચૂકેલા સી આર પાટિલ કડક અનુશાસન માટે જાણીતા છે. તેઓ પોતે પાર્ટી તરફ જેવું સમર્પણ ધરાવે છે તેવું જ બીજા પ્રત્યેથી પણ અપેક્ષા રાખે છે. પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી તો તમામ વિવાદોમાં તેમણે હસ્તક્ષેપ કરવો પડ્યો. જેને જોતા તેઓ પણ જાણે પ્રેશરમાં હોય તેવું પ્રતિત થાય છે. રૂપાલાના મુદ્દે તેમણે રાજકોટ અને સુરેન્દ્ર નગરની મુલાકાત લીધી હતી પરંતુ ક્ષત્રિય સમાજનો અસંતોષ અને નારાજગી દૂર થઈ શકી નહીં. ગુજરાતમાં સંગઠનની કમાન પાટિલ પાસે છે જ્યારે સરકારની કમાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે. પરંતુ આ વિરોધની પરિસ્થિતિ વચ્ચે હવે બધાની નજર પીએમ મોદી અને અમિત શાહ પર ટકેલી છે.