ગવર્નર@RBI: દાસનું મોટું નિવેદન, રિઝર્વ બેંક ક્યારે વ્યાજદર ઘટાડશે, લોન ક્યારે સસ્તી થશે? જાણો અહીં

બજારે જીડીપી વિકાસના અંદાજને હકારાત્મક રીતે લીધો છે. એનએસઓનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024માં વિકાસદર 7.4 ટકા રહી શકે છે.
 
rbi gavrnar shktikant das file photo

અટલ સમાચાર ડેસ્ક, 

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદર ઘટવા અને અનસિક્યોર્ડ લોન અંગે મોટું નિવેદન આપ્યું છે. રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત મળે તેવી હાલ કોઇ શક્યતા દેખાઈ રહી નથી. દાવોસમાં એક મીડિયાને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂહમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદર ઘટવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતમાં વ્યાજદર ઘટવાની હાલ કોઇ શક્યતા નથી. તેવા રિઝર્વ બેંકના ગવર્નરે સ્પષ્ટ સંકેત આપ્યા છે. દાવોસમાં સીએનબીસી – ટીવી18ને RBI ગવર્નરે જણાવ્યું કે, આર્થિક મોરચે ભારતની પ્રગતિ સારી રહી છે. ભારતે પરિસ્થિતિનો મજબૂત રીતે સામનો કર્યો છે. સમગ્ર દુનિયા માટે છેલ્લા 4 વર્ષ પડકારજનક રહ્યા છે. પરંતુ આ તમામ પડકારોને પાર કરવામાં સફળ રહ્યા છે. આપણે હંમેશા નવા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. 

રિઝર્વ બેંકના ગવર્નરે વધુમાં જણાવ્યું કે, તેઓ રિટેલ ફુગાવાને 4 ટકા સુધી સિમિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં મધ્યસ્થ બેંક અને બજારની વિચારણા વચ્ચે સુમેળ છે. ભારતના આર્થિક વિકાસ અંગે મક્કમ વિશ્વાસ છે. તમામ સૂચકાંકો સૂચવે છે કે વૃદ્ધિઆગળ ચાલુ રહેશે. ભારતમાં અત્યારે રેટ કટની કોઈ શક્યતા નથી. કોર ઇન્ફ્લેશન રેટમાં ઘટાડો ઘણો પ્રોત્સાહક છે. છેલ્લા 3 વર્ષથી જીડીપી ગ્રોથ 7 ટકા રહ્યો છે. હાલ વ્યાજદરમાં ઘટાડાની કોઇ વિચારણા નથી. રિટેલ ફુગાવાને 4 ટકાના સ્તરે અંકુશમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં કામગીરી સારી રીતે ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારત પર વિશ્વાસ વધ્યો છે.

ગવર્નર શક્તિકાંત દાસે ઉમેર્યુ કે, નાણાકીય વર્ષ 2024માં ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની અપેક્ષા છે. બજારે જીડીપી વિકાસના અંદાજને હકારાત્મક રીતે લીધો છે. એનએસઓનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024માં વિકાસદર 7.4 ટકા રહી શકે છે. દેશમાં થાપણ 12 થી13 ટકા અને ધિરાણ 15 ટકાના દરે વધ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, જામીનગીરી વિનાની એટલે કે અનસિક્યોર્ડ લોન અંગે આરબીઆઈ એલર્ટ મોડમાં છે. ધિરાણ પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ મામલે સમસ્યાઓનો સામનો કરવા માટે દરેક આવશ્યક પગલાં લેવામાં આવશે. બેંકો દ્વારા નિયમોનું પાલન અને કામગીરમાં સુધારો થયો છે. ફિનટેકમાં સતત વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. ફિનટેક સેક્ટરમાં વૃદ્ધિ માટે કડક રેગ્યુલેશનનો અમલ કરવો જરૂરી છે.