ધાર્મિક@બોટાદ: સાળંગપુરધામમાં ભક્તિમય માહોલ, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર

 
સાળંગપુર
મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નૂતન વર્ષના પ્રારંભે બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા સુવર્ણ વાઘાનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી યોજાઈ હતી.નૂતન વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાળંગપુરધામના સંતોએ પણ સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય માટે કષ્ટભંજનદેવના ચરણે પ્રાર્થના કરી હતી.

નૂતન વર્ષની શરૂઆત સાથે જ વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવર્ધન પૂજા બાદ મહિલા ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલા 1200થી વધુ વિવિધ વ્યંજનો ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતી અને પૂજા-અર્ચના યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી અન્નકૂટનાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.