ધાર્મિક@દેશ: આજે દેવદિવાળી, ધર્મ-ભક્તિ-દીપદાન અને આધ્યાત્મિક જાગૃતિનું પર્વ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કારતક માસની પૂર્ણિમાના દિવસે દેવદિવાળીનો ઉત્સવ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઊજવવામાં આવે છે.આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા, કારતક પૂર્ણિમા અને દેવદીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ,ધાર્મિક માન્યતાઓ અને આધ્યાત્મિક પરંપરાઓ જોડાયેલી છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢેલા રહે છે એવી ધાર્મિક માન્યતા છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારબાદ કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવતાઓ આનંદ અને ઉત્સાહ સાથે દીપ પ્રગટાવી ઉત્સવ ઊજવે છે.
દેવતાઓ દ્વારા ઊજવવામાં આવતી આ દિવાળીને દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે.બીજી એક મહત્વપૂર્ણ પૌરાણિક માન્યતા ભગવાન શિવ સાથે જોડાયેલી છે.તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ-કમલાક્ષ અને વિદ્યુન્માલી દ્વારા ત્રણ વિશાળ નગરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, આ ત્રણ નગરો સોના-ચાંદી અને લોખંડનાં બનેલાં હતાં,તેઓ ત્રિપુર તરીકે ઓળખાતાં હતાં. આ અસુરોના અત્યાચારથી દેવતાઓ અને ઋષિમુનિઓ ત્રસ્ત થઈ ગયા હતા. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે કારતક પૂર્ણિમાના દિવસે એક જ બાણથી ત્રણેય પુરોનો નાશ કર્યો, આથી ભગવાન શિવને ત્રિપુરારી કે ત્રિપુરાંતક કહેવામાં આવ્યા. દેવતાઓએ આ વિજયની ખુશીમાં દીપ પ્રગટાવી ઉત્સવ મનાવ્યો. આ પ્રસંગની સ્મૃતિમાં કારતક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવદિવાળી તરીકે ઊજવવામાં આવે છે. પુરાણોમાં ભગવાન વિષ્ણુના મત્સ્યાવતારની કથા આવે છે.સૃષ્ટિ પર પ્રલયનું સંકટ આવ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્યરૂપ ધારણ કરીને વૈવસ્વત મનુની નૌકાનું રક્ષણ કર્યું હતું તથા પ્રલયના જળમાંથી સૃષ્ટિના બીજ અને જ્ઞાનપરંપરાની રક્ષા કરી હતી. આ અવતાર સૃષ્ટિના સંરક્ષણ અને ધર્મની સ્થાપનાનું પ્રતીક છે. વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસેથી ત્રણ પગલાં ભૂમિ માગી હતી.બે પગલાંમાં સમગ્ર પૃથ્વી અને સ્વર્ગને માપી લીધાં અને ત્રીજું પગલું બલિના મસ્તક પર મૂકીને તેમને પાતાળલોકમાં સ્થાન આપ્યું, આ કથા ભગવાનની લીલા-ધર્મની સ્થાપના અને અહંકારના વિસર્જનનો સંદેશ આપે છે. કારતક પૂર્ણિમાના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
ખાસ કરીને કાશીના ગંગાઘાટો પર હજારો દીવડાઓ પ્રગટાવી ગંગામાતાની આરતી કરવામાં આવે છે. આ દિવ્ય દૃશ્ય દેવદિવાળીની વિશેષ ઓળખ બની ગયું છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ગંગાસ્નાન, દીપદાન, જપ,તપ,હવન,યજ્ઞ અને દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્નદાન,વસ્ત્રદાન અને જરૂરિયાતમંદો ને સહાય કરવાનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં દાનને માત્ર સંપત્તિનું વિતરણ નહીં પરંતુ પરોપકાર- કરૂણા અને ત્યાગની ભાવના તરીકે સમજાવવામાં આવ્યું છે.

