ધાર્મિક@અમદાવાદ: 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી આજે નગરચર્યાએ નીકળ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મહાશિવરાત્રિના દિવસે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃ જીવંત બની છે. ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીની તસવીર અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને રથમાં પ્રસ્થાન કરાવાયું છે. અમદાવાદના મેયર, ધારાસભ્યો અને સાંસદ પહિંદ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ અવસરને ખૂબ જ ખાસ ગણાવ્યો.
ત્રણ દરાવાજા ખાતે માતાજીના આરતી ઉતારાશે, ત્યારબાદ માણેકનાથના વંશજો બાબા માણેકનાથ મંદિર માણેકચોક ખાતે મા ભદ્રકાલીના પાદુકાની આરતી કરાશે. બાબા માણેકનાથ મંદિરથી થઈને નગર યાત્રા એએમસી કોટા કાર્યાલય ખાતે પહોંચશે જ્યાં મેયર અને અધિકારીઓ પૂજા અર્ચના કરશે. આ પછીનો પડાવ જગન્નાથ મંદિરનો છે જ્યાં મંદિરના મહંત દિલીપદાસજી મા ભદ્રકાળીની ચરણપાદુકાની પૂજા અને રથનું સ્વાગત કરશે.
ત્યારબાદ પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે રથનું સ્વાગત અને આરતી કરવામાં આવશે.એ પછી વસંત ચોક ખાતે આવેલ પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા રથનું સ્વાગત અને મા ભદ્રકાળી આરતી થશે. ત્યારબાદ બહુચર માતાના મંદિરે રથ પહોંચશે ત્યાં સ્વાગત અને આરતી બાદ મા ભદ્રકાળીના મંદિર ખાતે નગરયાત્રાની પૂર્ણાહુતિ થશે. મહાશિવરાત્રિના દિવસે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે. ત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 1500થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં છે.