ધાર્મિક@બનાસકાંઠા: આજે અંબાજી મહામેળાનો અંતિમ દિવસ, લાખો માઈભક્તોના ઘોડાપૂર

 
અંબાજી
સમગ્ર મંદિર પરિસર "જય અંબે"ના નાદથી ગુંજી ઉઠ્યું 

​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના પાવન અવસરે દેશભરમાંથી આવેલા લાખો માઈભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ઉમટી પડ્યા છે. સમગ્ર મંદિર પરિસર "જય અંબે" અને "જગત જનની અંબા માત કી જય" ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજના આ અંતિમ અને પાવન દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે ઉપસ્થિત રહેવાના છે. તેમના હસ્તે અંબાજી મંદિર પર પોલીસ ધજા ચડાવવામાં આવશે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી પરંપરાગત રીતે ધજા ચડવવાની વિધિ સંપન્ન કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીની મુલાકાતને લઈને સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.અંબાજી મહામેળાના છઠ્ઠા દિવસ સુધીના આંકડા અત્યંત ઉત્સાહજનક રહ્યા છે. મેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો. આ છ દિવસની કુલ અવધિ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 38,23,469 શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં નમન કરી ધન્યતા અનુભવી છે. દૂર-દૂરથી પદયાત્રા કરીને આવી રહેલા સંઘો અને માઈભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે. છઠ્ઠા દિવસ દરમિયાન મા અંબાના ભંડારમાં રોકડ સ્વરૂપે 29,63,582 રૂપિયાની આવક નોંધાઈ છે. જ્યારે મેળાના છ દિવસની કુલ આવક 1,83,10,115 રૂપિયા સુધી પહોંચી છે. મેળામાં આવતા વૃદ્ધો અને દિવ્યાંગ ભક્તો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.