ધાર્મિક@ગિરનાર: ભવનાથ તળેટીમાં ભક્તિનું ઘોડાપૂર, ગાઢ જંગલ ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઊઠ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગિરનારની તળેટીમાં આજે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો મહાસાગર ઉમટી પડ્યો છે. વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ લાખો શ્રદ્ધાળુઓના મહેરામણથી ભવનાથ તળેટી અને ગિરનારનું ગાઢ જંગલ ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. હાથમાં ધર્મધ્વજા, હોઠ પર ઈશ્વરનું નામ અને હૃદયમાં ગિરનારની 36 કિમીની કઠિન યાત્રા પૂર્ણ કરવાના અડગ સંકલ્પ સાથે ભક્તોનો પ્રવાહ જંગલના કેડીઓ તરફ આગળ વધી રહ્યો છે. આ માત્ર એક પદયાત્રા નથી, પરંતુ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આધ્યાત્મિક ઉત્સવ બની રહ્યો છે. અહીં ઉંમરના કોઈ સીમાડા નડતા નથી. લાકડીના ટેકે ચાલતા વડીલોથી લઈને યુવાનો, મહિલાઓ અને નાના બાળકો સુધી સૌ કોઈ એક જ આધ્યાત્મિક ઉમંગ સાથે ડગલાં માંડી રહ્યા છે.રાજ્યભરમાંથી આવેલી સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા જંગલના માર્ગો પર ઠેર-ઠેર અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. પોતાના ખર્ચે અને સમયના દાન થકી સેવકો ભાવિકોને ગરમ ભોજન, ચા-પાણી અને નાસ્તો પીરસીને ‘ભક્તોની સેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કરી રહ્યા છે.
પરિક્રમાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ જંગલના ઊંચા-નીચા અને સાંકડા કેડા કંડારતા પ્રથમ પડાવ એટલે કે ઝીણા બાવાની મઢી તરફ પ્રયાણ કર્યું હતું. પગમાં થાક અને શરીરે પરસેવો હોવા છતાં ભક્તોના ચહેરા પર અલૌકિક આનંદ છલકાય છે. લાંબી મજલ દરમિયાન વૃક્ષોની ઘટાદાર છાયા નીચે વિરામ લેતા યાત્રાળુઓમાં અદભૂત સહકાર જોવા મળે છે. કોઈ અજાણ્યા વૃદ્ધને હાથનો ટેકો આપી રહ્યું છે, તો કોઈ થાકેલા યાત્રીને પાણી પીવડાવી આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જે માનવતાના દર્શન કરાવે છે.જંગલની નીરવ શાંતિ વચ્ચે ઢોલકના ધબકાર અને મંજીરાના મધુર ઝણકારથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. પરિક્રમાના રૂટ પર વિવિધ ભજન મંડળીઓ દ્વારા રામધૂન, કૃષ્ણભક્તિ અને ગિરનારી બાપાનાં ભજનોની રમઝટ બોલાવવામાં આવી રહી છે. ભજનના સૂર થાકેલા પગલાંમાં જાણે નવી ઊર્જા ભરી રહ્યા છે.

