ધાર્મિક@ગુજરાત: ગણેશ ચતુર્થીએ અંબાજી મંદિરમાં ગણપતિ દાદાને 21 કિલોનો વિશાળ લાડુ અર્પણ કરાયો

 
ગણપતિ

'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી વાતાવરણ ભક્તિમય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિઘ્નહર્તા ભગવાન ગણેશના સ્વાગત માટે શહેરોથી લઈને ગામડાં સુધી ઘર-ઘર અને જાહેર પંડાલોમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. શુભ મુહૂર્તે ઢોલ-નગારા અને બેન્ડવાજા સાથે ગણપતિ બાપ્પાનું આગમન થશે અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી વાતાવરણ ભક્તિમય બની જશે.વિવિધ થીમ પર તૈયાર કરાયેલા આકર્ષક જાહેર મંડપો પણ ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આજથી શરૂ થનારા 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન દેશભરમાં ધાર્મિક કાર્યક્રમો, આરતી, પૂજા અને વિવિધ આયોજનો જોવા મળશે.

આજે ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર સંકુલમાં આવેલા સિદ્ધિ વિનાયક દાદાના મંદિરમાં પણ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આજના દિવસે દાદાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઈટો પણ લગાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 21 કિલો લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને વિવિધ ભક્તો દ્વારા દાદા ને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ગણપતિ દાદાની આરતીમાં પણ ભક્તો વિશેષ જોડાયા હતા અને વિશ્વનું એકમાત્ર આ ગણપતિ દાદાના સહ પરિવાર સાથેનું મંદિર છે, જેમાં ગણપતિ દાદા પોતાની બે પત્ની, પોતાના બે પુત્રો, એક પુત્રી અને તેમના બે પૌત્ર સાથે અહીં વિરાજમાન છે.રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સતત 19માં વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર બંગલેથી ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાની પ્રતિમા લાવી સ્થાપના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તેમજ ભાજપ સંગઠનના અગ્રણી પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર 'બાપ્પા'ના આગમન સાથે મેઘરાજાએ પણ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. બાપ્પાની સ્થાપના અને સ્વાગત માટે ભક્તોમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ-નગારા અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ વચ્ચે વરસાદી માહોલે ગણેશોત્સવની રોનકમાં વધુ વધારો કર્યો છે. બાપ્પાના આગમન સાથે થયેલી મેઘમહેરને ભક્તો પણ શુભ સંયોગ તરીકે જોઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં આજથી ગણપતિના પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.ગણેશ ચતુર્થી નિમિત્તે આજે રાજકોટમાં ઠેર-ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવશે, જેમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ મેયર બંગલેથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે સ્થાપના કરાશે.દેશભરમાં આજે ભક્તિ અને હર્ષોલ્લાસના માહોલ સાથે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે, જેમાં ઘર-ઘરમાં અને જાહેર પંડાલોમાં વિઘ્નહર્તા દેવાધિદેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. શુભ મુહૂર્તમાં ઢોલ-નગારા અને વાજતે-ગાજતે બાપાનું આગમન થથે, ત્યારે ચારેય તરફ "ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા"ના ગુંજતા નાદોથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની જશે.