ધાર્મિક@ગુજરાત: નૂતન વર્ષના પ્રારંભે અંબાજીથી ડાકોર સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં ભીડ ઉમટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિન્દુ નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતભરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષની શરૂઆત ભગવાન અને માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ બેસતા વર્ષના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. નૂતન વર્ષ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટો અને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરની આકર્ષક સજાવટ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પાવાગઢમાં પણ બેસતા વર્ષના દિવસે માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. માતાજીની મંગળા આરતીનો ભક્તોએ લ્હાવો લીધો હતો. આરતી દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયા હતા. ‘જય માતાજી’ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદ સાથે કરવા માટે દૂરદૂરથી ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા.કચ્છના ભુજ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં પણ નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષના પવિત્ર અવસરે મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વાનગીઓનો માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દર્શન કરવા પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ખેડા જિલ્લાના ડાકોરમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવા માટે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા હતા. રણછોડરાયજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોએ આરતીનો લ્હાવો લઈ ભગવાનનાં દર્શન કર્યા હતા. ભાવનગરમાં આવેલા કાળ ભૈરવ મંદિરે પણ નવા વર્ષના દિવસે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. પાલિતાણા ખાતે આવેલા ભૈરવ મંદિરે શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી કાળ ભૈરવનાં દર્શન કર્યા હતા. બીજી તરફ રાજકોટમાં પણ નૂતન વર્ષની ઉજવણી ધાર્મિક માહોલમાં થઈ હતી. કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરી ભાવિકોએ નવા વર્ષની શરૂઆત આશીર્વાદ સાથે કરી હતી.

