ધાર્મિક@ગુજરાત: અંબાજી ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતી, ગૃહ રાજ્યમંત્રી ચડાવશે ધજા
6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાનાં દર્શન કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ભાદરવી પૂનમનાં મેળાનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટશે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતાજીનાં મંદિરે ધજા ચડાવશે. જેને લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ પોલીસ પરિવાર ધજા ચડાવ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરશે. તેમજ 6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાનાં દર્શન કર્યા હતા.
અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે ત્યારે માં અંબા ને નિમંત્રણ આપવા આવતા ભક્તો ચોક્કસ માં અંબા ની ધજા લઈને આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર માં અસંખ્ય ધજાઓ જોવા મળી રહી છે અને મંદિર દ્વારા આ ધજાઓ ને પ્રસાદ રૂપે વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે.માં અંબાના નિજ મંદિર ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાંચર ચોક માં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલમ લાલ થઇ ગયું છે. ભક્તો દૂર દૂરથી આ ધજાઓને પદયાત્રા કરીને લઈને આવે છે.
માં અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવે છે. જેને લઈને શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો માં અંબાની આ ધજાઓને પોતાના સાથે લઈને જાય છે. અને પોતાના ઘર ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજા રોહણ કરીને માં અંબાને આવવાનું આમંત્રણ આપે છે હમણાં સુધી મોટી સાઈઝની ધજાઓ જે રેજીસ્ટ્રેશનના પાત્ર છે તેવી 2500 થી વધુ ધજાઓ માતાજીને ચડી ચુકી છે.