ધાર્મિક@ગુજરાત: નવરાત્રીના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો

 
પાવાગઢ
તમામ મંદિરોમાં ભક્તોની સુવિધા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી નવરાત્રિ શરૂ થતાં ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને દેવી મંદિરોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે. કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરોમાં નવરાત્રિ દરમિયાન વિશેષ ઉજવણી અને પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસોમાં ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટો દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આદ્યશક્તિપીઠ અંબાજીમાં નવરાત્રિનો ઉત્સાહ છે. પ્રથમ નોરતે મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવશે, જેના માટે સવારે 9થી 10:30નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. અહીં માતાજીની આરતી સવારે 7:30 અને સાંજે 6:30 વાગ્યે થશે. દર્શનનો સમય સવારે 8 થી 11:30, બપોરે 12:30 થી 4:15 અને સાંજે 7 થી 9 વાગ્યા સુધીનો છે. રાત્રિના સમયે ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં આવશે, અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના મહાકાળી માતા મંદિરમાં ભક્તો સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આરતી સવારે 6 અને સાંજે 7 વાગ્યે થશે. ચોટીલાના ચામુંડા માતા મંદિરમાં દર્શનનો સમય સવારે 4થી રાત્રે 9 સુધીનો છે, જ્યારે આરતી સવારે 5 અને સાંજે 7 વાગ્યે યોજાશે.

કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે આશાપુરા માતાના મંદિરમાં સવારે 5 થી બપોરે 2 અને બપોરે 2:30 થી રાત્રે 1 વાગ્યા સુધી દર્શન થશે, જ્યારે મંગળા આરતી, ધૂપ આરતી અને સંધ્યા આરતીનો સમય અનુક્રમે સવારે 5, 9 અને સાંજે 7 વાગ્યે રહેશે. બહુચરાજીના બહુચર માતા મંદિરમાં ભક્તો સવારે 5 થી રાત્રે 10:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે, અને આરતી સવારે 6:30 અને સાંજે 6:30 વાગ્યે થશે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, જ્યારે માધુપુરાના અંબાજી મંદિરમાં સવારે 5:30 થી રાત્રે 11:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકાશે.