ધાર્મિક@ગુજરાત: આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, 'હર-હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા શિવાલયો

 
ધાર્મિક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભગવાન શિવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી જ ભક્તોની ભીડ જોવા મળતાં સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. ભગવાન શિવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

ભરૂચના કાવી-કંબોઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. સમુદ્રકિનારે આવેલા આ મંદિરમાં દરિયાની ભરતી વધતાં મંદિરનું શિવલિંગ થોડા સમય માટે દરિયાના પાણીમાં સમાઈ જાય છે. અને પછી દરિયાનું પાણી ઓસરતા શિવલિંગ ફરીથી ભક્તોને દર્શન આપે છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી છે. માત્ર ભવનાથ તળેટી જ નહીં પરંતુ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં માટે પહોંચી રહ્યાં છે.

અમદાવાદના શિવાલયો પણ 'હર હર મહાદેવ' અને 'ૐ નમઃ શિવાય' ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને આજે નાના-મોટા તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. શ્રાવણના પ્રથમ સોમવારે શીલજના નીલકંઠ મહાદેવ મંદિરમાં અનોખા રુદ્રાક્ષના શિવલિંગના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં 11 ફૂટ ઊંચું અને 51 હજાર રુદ્રાક્ષથી તૈયાર કરાયેલું ભવ્ય શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.

‘છોટી કાશી’ તરીકે જાણીતા જામનગરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.નવનાથની નગરી વડોદરામાં અનેક મંદિરોમાં પાંચ પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા.