ધાર્મિક@ગુજરાત: પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, શિવાલયો ભક્તોના પ્રવાહથી ઉભરાયા

 
શિવાલય
'હર હર મહાદેવ'ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઊભરાઈ રહ્યા છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેઓ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથની પૂજા કરી હતી.

આજે છેલ્લા સોમવારે શિવલિંગ પર દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરીને વિશેષ અભિષેક કરવામાં આવી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. શિવલિંગને વિવિધ શણગાર કરીને મહાદેવને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 1:08 વાગ્યા સુધી ગણાશે, જે પૂજા અને અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોમનાથ સહિતના પ્રસિદ્ધ શિવ મંદિરો પણ સામેલ છે. 'હર હર મહાદેવ'ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું છે. ભક્તો શિવલિંગને અભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે.