ધાર્મિક@ઊંઝા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામમાં ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ખાતે ધજા મહોત્સવની ઉજવણી થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મુકાયો. ઉમિયાધામમાં ધજા મહોત્સવની ઉજવણી સાત દિવસ દરમિયાન ઉજવાશે. ધજા મહોત્સવ દરમ્યાન 11000 ધર્મ ધજા ચઢાવવામાં આવશે. આ ઉજવણીમાં 1868 ઉમા પ્રાગટ્ય ધજા ચઢાવવામાં આવશે. ઊંઝા ખાતે ઉમિયાધામમાં ધજા મહોત્સવ 12 થી 18 સપ્ટેમ્બર સુધી ઉજવાશે.
ઊંઝા ખાતે આવેલ ઉમિયાધામ કડવા પાટીદાર સમાજના લોકોના કુળદેવી મા ઉમિયા માતાજીનું મંદિર છે. આ વર્ષે ઉમિયાધામમાં સપ્ટેમ્બર મહિનામાં ધજા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ધજા મહોત્સવની ઉજવણી પ્રસંગે મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું પણ આયોજન કરાયું છે. મહેંદી ઉત્સવનું ખાસ કરીને બહેનો માટે જ આયોજન કરવામાં આવ્યું છે. ધજા ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગથી ભાગ લેનાર બહેનો પોતાના હાથમાં ‘મા ઉમિયા ધજા મહોત્સવ’ અથવા ‘શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા’ એવી મહેંદી મૂકાવશે.
ઉમિયાધામમાં 12 સપ્ટેમ્બરથી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોવાથી 7 દિવસ સુધી માતાજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શન કરવા આવનાર ભક્તોએ આ બાબતની ખાસ નોંધ લેવી. ઉમિયાધામ ખાતે 7 દિવસ ચાલનારા આ ધજા મહોત્સવ દરમ્યાન સવારે છ વાગે (06:00AM) શણગાર આરતી થશે. જ્યારે સાંજે સાડા સાત (07:30 PM)કલાકે સંધ્યા આરતી અને રાતે પોણા દસ વાગ્યે (09:45 PM)શયન આરતી કરવામાં આવશે.