ધાર્મિક@પાટણ: શ્રીકૃષ્ણના જન્મોત્સવે અભિષેકનો અવસર, કનૈયાના જયજયકારથી ગુંજ્યુ કેન્દ્ર

 
જન્માષ્ટમીની ઉજવણી પાટણ

નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી બોલીને સૌ કૃષ્ણ ભક્તિએ નટખટ કાન્હાને વધાવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં ઈસ્કોન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી અને મનોરમ્ય ઉજવણી કરવામાં આવી છે. આઠમની મધ્યરાત્રીએ બાળ કૃષ્ણના જન્મ દિવસે ભક્તજનો એકઠા થઇ હરેકૃષ્ણ પ્રચાર કેન્દ્રમાં જયજયકાર કર્યો હતો. ખાસ કરીને કેન્દ્ર દ્વારા કનૈયાની આરતી સાથે અભિષેકની વ્યવસ્થા કરી ભક્તોને નયનરમ્ય અવસર આપ્યો હતો. આ દરમ્યાન પાટણ શહેર અને આસપાસના અનેક કૃષ્ણ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેરના હાંસાપુર નજીક આવેલ હરે કૃષ્ણ પ્રચાર કેન્દ્રમાં કૃષ્ણ કનૈયાના જન્મ દિવસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આઠમની રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે નટખટ કાન્હાને વધાવવા અને આવકારવા મોટી સંખ્યામાં ઈસ્કોન ગૃપે મોટું આયોજન કર્યું હતુ. કૃષ્ણ જન્મ મહોત્સવ 2024 પ્રસંગે કિર્તન, અભિષેક, કથા, સાંસ્કૃતિક નાટક સાથે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતુ. એ.સી. ભક્તિ વેદાંત પ્રભુદાસજીની પ્રેરણા હેઠળ પાટણના હરેકૃષ્ણ કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ગોઠવી હતી. ભક્તજનોની લાગણીને માન આપીને ઇસ્કોન ગૃપ મહેસાણા બાદ પાટણમાં પણ કૃષ્ણ ભક્તિનો મહિમા શરૂ કરશે તેવું જાણવા મળેલ છે.