ધાર્મિકઃ જાણો અખાત્રીજની ધર્મગ્રંથોમાં જણાવેલી વાતો, ભગવાનના ત્રણ અવતાર થયા એટલે તૃતીયા નામ પડ્યું

 
shubh-muhurat-

અટલ સમાચાર, ડેસ્ક

વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અક્ષય તિથિ કહેવામાં આવે છે. અક્ષયનો અર્થ છે, જેનો ક્યારેય ક્ષય થાય નહીં, જે સ્થાયી રહે. આ દિવસ દરેક શુભ કામની શરૂઆત કરવા માટે ખાસ માનવામાં આવે છે. મહાભારત પ્રમાણે આ દિવસે સૂર્ય દેવતાએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ક્યારેય અનાજ ખાલી થતું નથી.

આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી ચિરંજીવી છે. તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં. એટલે અખાત્રીજને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે ત્રેતાયુગની શરૂઆત હોવાના કારણે તેને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે તેને નવી શરૂઆતનું વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.

અખાત્રીજ શુભારંભનું પર્વ છે
ભારતીય કાલગણના પ્રમાણે અખાત્રીજ શુભારંભનું પર્વ છે. આ દિવસે કરવામાં આવતા દાન, પૂજન, હવન સહિત બધા પુણ્ય કાર્ય અક્ષય ફળ આપે છે. કોઈપણ માંગલિક કે શુભ કામ કરવા માટે આ તિથિ જ સૌથી સારી માનવામાં આવે છે. કેમ કે જ્યોતિષ ગ્રંથોમાં તેને સ્વયં સિદ્ધ મુહૂર્તનો દરજ્જો મળેલો છે. એટલે પંચાંગ જોયા વિના આ દિવસે કોઈપણ કામ કરી શકે છે. તેમાં સફળ થવું નક્કી માનવામાં આવે છે.

આ દિવસે લગ્ન કરવાથી પતિ-પત્નીનો પ્રેમ અને લગ્નજીવન અક્ષય બને છે. આ દિવસે પિતૃઓને તર્પણ એવું માનીને કરવામાં આવે છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ભગવાનના ત્રણ અવતાર થયા એટલે તૃતીયા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો. જેમણે પૃથ્વીથી અધર્મને દૂર કર્યો. તે પછી નર અને નારાયણ થયાં. તેમના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સંસારને તપસ્યા કરવાનું શીખવ્યું. જેનાથી શારીરિક, માનસિક અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે. નર-નારાયણે હિમાલય ઉપર તપસ્યા કરી. તેમને બરફથી બચાવવા માટે લક્ષ્મીજીએ બોરના ઝાડનું સ્વરૂપ લીધું. તે જગ્યા આજે બદ્રીનાથ ધામ કહેવાય છે. આ ત્રણેય અવતાર માનવ કલ્યાણ માટે થયાં. એટલે અક્ષય તૃતીયાને કલ્યાણકારી પર્વ માનવામાં આવે છે. વિદ્વાનો પ્રમાણે દ્વાપર યુગમાં આ જ શ્રીકૃષ્ણ અને અર્જુન હતાં.


મહાભારતના આરણ્ય પર્વ પ્રમાણે યુધિષ્ઠિરે અનાજ મેળવવાની ઇચ્છાથી ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી. તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ અખાત્રીજના દિવસે જ યુધિષ્ઠિરને એવું વાસણ આપ્યું જેમાં રાખેલું ભોજન ક્યારેય ખાલી થતું નથી. એટલે તેને અક્ષય પાત્ર કહેવામાં આવે છે. આ કારણે ખેડૂતો પણ અખંડ સુખ-સમૃદ્ધિની કામનાથી અક્ષય તૃતીયાના દિવસે પાક કાપીને ભગવાનને ચઢાવવામાં આવે છે. જેથી તે પાકથી મળતી ઊર્જા અને સુખ અક્ષય રહે અને પાક વેચ્યા પછી રૂપિયા હંમેશાં વધતાં રહે છે. આ પર્વ વસંત ઋતુમાં આવનાર છેલ્લો મોટો પર્વ હોય છે.

સોનું અક્ષય છે, એટલે ખરીદીનું મહત્ત્વ
પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સોનું પૃથ્વીના ગર્ભમાંથી મળ્યું છે. એટલે તેને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે સોનું અક્ષય માનવામાં આવે છે. એટલે તે ક્યારેય નષ્ટ થતું નથી. વેદોમાં સોનાનો ઉલ્લેખ છે. આ ધાતુનું મહત્ત્વ આજે પણ તેટલું જ છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નવી વસ્તુઓ કે સોનું ખરીદવું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની એક રીત માનવામાં આવે છે. માન્યતા છે કે સોનું ખરીદવું સારા ભાગ્યનું પ્રતીક છે. આ જ કારણ છે કે લોકો સોનાના ઘરેણાં કે સિક્કા ખરીદે છે. જેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. માટે જ, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે. 

કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે કુબેરજીએ શિવપુરમમાં ભગવાન શિવની પૂજા કરીને આ દિવસે સમૃદ્ધિ પાછી આપી હતી. એટલે આ દિવસે કુબેર પૂજાની પણ પરંપરા છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીની આરાધનાથી અક્ષય લક્ષ્મી મળે છે. જીવનભર રૂપિયાની ખોટ પડતી નથી. બિઝનેસ અને પૂંજી વધે છે સાથે જ અક્ષય રહે છે. એટલે આર્થિક ઉન્નતિ મેળવવા અને દેવામાંથી મુક્ત થવા માટે આ દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. જેને ઉત્તરાયણની દિવાળી પણ કહેવામાં આવે છે.