પગપાળા@અંબાજી: CTM મિત્ર મંડળનો સેવા કેમ્પ, શ્રદ્ધાળુઓ માટે સવારથી રાત્રિ સુધી સંગીત સાથે નાસ્તાની વ્યવસ્થા
Sep 3, 2025, 21:16 IST

ભાદરવા સુદ દશમથી શરૂ કરીને બારસ સુધી સતત ત્રણ દિવસ માંઈ ભક્તો માટે સેવાનું આયોજન
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
અંબાજી જતાં પદયાત્રીઓથી વિસનગર, ખેરાલુ અને છેક માં અંબેના ધામ સુધીનો માર્ગ ભક્તિમય બન્યો છે. ભાદરવી પૂનમનો મહામેળો વર્ષોથી ગુજરાતનું ગૌરવ હોઈ માંઈ ભક્તો માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. જેમાં ખેરાલુ નજીક હાઇવે ઉપર જય અંબે મિત્ર મંડળ(સી.ટી.એમ)નો સેવા કેમ્પ શ્રદ્ધાળુઓ માટે દિવસ રાત સેવામાં લાગ્યો છે. આ કેમ્પમાં આબાલ વૃધ્ધ સૌ સેવાર્થીઓ દ્વારા પગપાળા યાત્રાળુઓ માટે ગરમાગરમ ખીચુંથી માંડી આઇસ્ક્રીમ અને કુલર સાથેના આરામની વ્યવસ્થા કરી છે. વહેલી સવારથી યુવકો ખિચુ પિરસવા લાગે ત્યારે યાત્રાળુઓનો ઉત્સાહ વધારવા સંગીત સાથે આવકારે છે. જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામથી અંબાજી જતાં હાઇવે માર્ગ ઉપર મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ ચાલી રહ્યા છે. અહિં અમદાવાદના સી.ટી.એમના જય અંબે મિત્ર મંડળનો સેવા કેમ્પ સતત બીજા વર્ષે શ્રધ્ધાળુઓ માટે ચાલું રહ્યો છે. ભાદરવા સુદ દશમથી શરૂ થયેલ આ કેમ્પ બારસ સુધી ચાલશે ત્યારે ગરમાગરમ ખીચું, આઇસ્ક્રીમ અને આરામની પણ વ્યવસ્થા પૂરી પાડે છે. જેમાં બપોરે અને રાત્રે પગપાળા યાત્રાળુઓ માટે કુલર સાથે આરામથી પણ વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને સેવા કેમ્પના આયોજકો અને સાથી મિત્રો દ્વારા સંગીતના તાલે રસ્તા પરથી આવતાં શ્રધ્ધાળુઓને આવકારવામાં આવે છે ત્યારે માંઈ ભક્તો પણ ગરબે રમવા જોડાઇ જાય છે.
જય અંબે મિત્ર મંડળના તુષારભાઇ પટેલ, શનિભાઇ ઠક્કર, નિલેશભાઈ પટેલ, અનંતભાઇ પટેલ, રજનીભાઇ પટેલ અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ભારે જહેમત ઉઠાવી ત્રણ દિવસના સેવા કેમ્પમાં સેવા આપવા ધંધા વ્યવસાયમાં રજા મૂકી છે ત્યારે આ કેમ્પ માટે ખેરાલુના કૃણાણભાઇ(જેસીબીવાળા)એ પણ જગ્યાની અને જરૂરી સગવડની વ્યવસ્થા કરી આપી છે. જય અંબે મિત્ર મંડળ અને ખેરાલુ કેમ્પ જગ્યાના પરિવાર દ્વારા દિવસ રાત અંબાજી જતાં પદયાત્રાળુઓ માટે આગામી વર્ષે પણ માંઈ ભક્તોની સેવા યથાવત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.