રિપોર્ટ@વહીવટી: ઈજનેર બંટી-બબલીને થયું ભાન, પત્નીના ડ્રાઇવરને બદલે બંટી ઓફિસમાં જવા લાગ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઈજનેર દંપતિ એવા બંટી-બબલીના ફરજ બાબતે અગાઉના સમાચાર પ્રસિદ્ધ થતાં મોટું ભાન થયું હોવાની વિગતો મળી છે. બબલીની બદલીથી નારાજ બંટી નવા લગ્ન હોઈ પોતાની ફરજનો સમય ડ્રાઇવર તરીકે આપતાં હતા. બબલી પત્નીને નોકરીએ મૂકવા જતાં આવતાં કલાકો નિકળી જતાં અને આવી રીતે ઘણા મહિનાઓ સુધી ફરજમાં ચોરી કરી રાખી. જોકે મામલો ઇજનેર આલમમાં ચર્ચાને એરણે ચડી જતાં વધુ ઘટસ્ફોટથી બચવા બંટીએ તાત્કાલિક અસરથી પોતાની નોકરીએ જવા લાગ્યા છે. બંટી બબલીને નોકરીના સ્થળો ખૂબ દૂર અને અલગ અલગ જિલ્લામાં હોવાથી ચાર્જ વાળી જિલ્લા કક્ષાની અને રેગ્યુલર કચેરીમાં બંટી ઈજનેર દૈનિક અને સમયસર જતાં નહોતા પરંતુ હવે જાગી ગયા છે. કેવી રીતે અચાનક ભાન થયું અને અત્યાર સુધી કેટલા દિવસો વડી કચેરીના સાહેબને અંધારામાં રાખ્યા તે સહિતની વિગતો વાંચો નીચેના ફકરામાં.
ગુજરાતના એક સરહદી જિલ્લામાં ઈજનેર દંપતિ ફરજ બજાવતા પરંતુ અચાનક બંટી અને બબલીને મોટો ઝાટકો લાગ્યો. બબલીની ટ્રાન્સફર દૂરના જિલ્લામાં થતાં નારાજ બંટી ઈજનેરે દોડધામ કરી પરંતુ મેળ પડ્યો નહિ. આથી બબ્બે જવાબદારી છતાં બંટીએ પ્રેમમાં ભાન ભૂલી બબલીને નોકરીએ મૂકવા જવા લાગ્યા હતા. પોતાની ખૂબ અગત્યની નોકરીના સમયની ચોરી કરી વડી કચેરીના સાહેબને તેમજ કલેક્ટરને પણ જાણ કર્યા વગર બંટી કારમાં પત્ની બબલીને બેસાડી નોકરીએ મૂકવા જતાં હતા. જોકે ઘણા દિવસો, મહિનાઓ આવું ચાલ્યું અને આખરે મામલો ચર્ચાસ્પદ બન્યો તો સુધારો આવ્યો છે. બંટીએ તાત્કાલિક અસરથી બબલીના ડ્રાઈવર થવાનું પડતું મૂકી પોતાની બે ફરજોમાં રૂટિન જવાનું શરુ કરી દીધું છે. હવે અહિં સવાલ થાય કે, બંટીએ અત્યાર સુધી કેટલા દિવસો અને કેટલા કલાકોની ચોરી કરી? કેટલો સમય કલેક્ટરને જાણ કર્યા વગર અન્ય જિલ્લામાં પત્નીને લેવા મૂકવા ગયા ? આ ફરજોની ચોરીનું વળતર અથવા કાર્યવાહી કોણ કરશે ? વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું, બંટીએ પોતાની ઈજનેર પત્નીને નોકરીમાં મૂકવા જવાનું બંધ કરી પોતાની નોકરીમાં સમય આપવાનું શરૂ કર્યું તે બરાબર પરંતુ અત્યાર સુધી કેમ ઘરની પેઢી હોય તેમ પોતાની નોકરીના સ્થળે જવાનું ટાળ્યું? જો તમે એક નાગરિક, લાભાર્થી કે અન્ય તરીકે રેગ્યુલર કચેરીમાં જાઓ તો કહેવાય બંટી સાહેબ જિલ્લા કચેરીમાં ગયા અને જિલ્લા કચેરીમાં જાઓ તો રેગ્યુલર કચેરીમાં ગયા કહીને સ્ટાફે પણ આંખ આડા કાન કર્યા હતા. જો વિજીલન્સ અથવા વિભાગની ટીમ ટેકનિકલ ચકાસણી કરે અને સ્ટાફ પણ પારદર્શક તપાસમાં વડી કચેરીને મદદ કરે તો બંટીના એક નહિ અનેક કરતૂતો બહાર નીકળી આવે તેમ છે.