રિપોર્ટ@અમદાવાદ: AMCમાં વર્ગ 3ના 20 કર્મચારીઓએ એકસાથે રાજીનામું ધરી દેતાં વહીવટી તંત્ર સ્તબ્ધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ મહાનગરપાલિકામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મનપામાં મહેસૂલ અને વહીવટી વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના 20થી વધારે કર્મચારીઓએ એકસાથે રાજીનામું ધરી દેતાં વહીવટી તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. AMC કમિશનર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં સેવા આપતા આ કર્મચારીઓએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ સામૂહિક રાજીનામા પાછળ કોઈ આંતરિક વિવાદ, તંત્રનો ત્રાસ કે નારાજગી નથી, પરંતુ કર્મચારીઓનો વ્યક્તિગત અને કારકિર્દીનો વિકાસ જવાબદાર છે.છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી બોર્ડ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો જાહેર થયા છે.AMCમાં જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા આ 20 કર્મચારીઓ રાજ્ય સરકારની ભરતીના મેરિટ લિસ્ટમાં પાસ થયા છે.
મહાનગરપાલિકાની સરખામણીએ રાજ્ય સરકારના સચિવાલય કે અન્ય વિભાગોમાં વધુ સારો પગાર સ્કેલ, પ્રમોશનની ઝડપી તકો અને વધુ સારી જોબ સિક્યોરિટી મળતી હોવાથી કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે. આ 20 કર્મચારીઓ ઉપરાંત, કોર્પોરેશનમાં ફરજ બજાવતા અન્ય બે સિનિયર અધિકારીઓએ પણ વયમર્યાદા અથવા અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરી હતી, જેને તંત્ર દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે.
એકસાથે 22 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ઓછા થતાં AMCની રોજિંદી વહીવટી કામગીરી પર આંશિક અસર પડી શકે છે. ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી, ક્લાર્ક અને સુપરવાઈઝરની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે.

