રિપોર્ટ@અમદાવાદ: અમિત શાહે સોલા સિવિલમાં ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો, જાણો વિગતે

 
અમિતસાહ
કેન્દ્રીય મંત્રીના હસ્તે ઓડિયોલોજી કૉલેજના આધુનિકરણનું લોકાર્પણ કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજમાં થયેલા આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું હતુ.

વધુમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ સંદર્ભે એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતુ.અમિત શાહે ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવીને સેન્ટર મુલાકાત લઇ સમગ્રતયા કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતુ. કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલ બાળકો સાથે તેમણે સંવાદ પણ સાધ્યો હતો. કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવેલ બાળકોને રિહેબિલિટેશનમાં સ્પીચ થેરાપીની તાકીદે જરૂરિયાત રહેતી હોય છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી બાળકોને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી સેશન માટે આવવું પડતું હતું.

જેના કારણે બાળકમાં સાંભળવાનું તથા બોલવાનો વિકાસ અપૂરતો રહી જતો હતો. જેથી કેટલાક કિસ્સામાં આ કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરીનું સફળ પરિણામ મળતું ન હતું. સરકાર દ્વારા રૂ. 25 લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કૉલેજની મદદથી ટેલિ-રિહેબિલિટેશન માટે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેથી આ કાર્યક્રમના સાર્થક પરિણામ મળે અને બાળકો સર્જરી બાદ બોલતા અને સાંભળતા પણ થાય.ટેલિ-રિહેબિલિટેશનની મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. આ સેન્ટરથી વિડિયો કોલિંગ કરીને સાઉન્ડ પ્રુફ અદ્યતન રૂમ્સમાં આવાં બાળકોને થેરાપી આપવામાં આવશે.

આ કેન્દ્રો પણ પીડિયાટ્રિક ,ઓડિયોલોજિસ્ટ અને આર.બી.એસ.કે. વર્ક્સ એક સાથે કનેક્ટ થશે. અગાઉ ફક્ત ઓડિયો માધ્યમથી આ સેવા ઉપલ્બધ હતી. હવે આ ટેલી-રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત બનતા વિડિયો કોલિંગના માધ્યમથી સમગ્ર થેરાપી હાથ ધરાશે.કેન્દ્રીય મંત્રીના હસ્તે ઓડિયોલોજી કૉલેજના આધુનિકરણનું લોકાર્પણ કરાયું હતું. ઓડિયોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણ માટે સરકાર દ્વારા રૂ. ૩૫ લાખ ફાળવવામાં આવ્યા છે.