રિપોર્ટ@અમદાવાદ: મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો ઊજવાશે કાર્યકર સૂવર્ણ મહોત્સવ, દેશ વિદેશના હરિભક્તો હાજર રહેશે

 
કાર્યક્રમ
પ્રથમવાર સ્ટેડિયમને ધાર્મિક કાર્યક્રમ માટે ભાડે અપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા. 7મી ડિસેમ્બરે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1 લાખ કાર્યકરો એકઠા થશે. 7મી ડિસેમ્બર પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી છે અને એ જ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયુ છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિતિ રહેશે, ઉપરાંત દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ હાજર રહેશે.

આ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ ભેગી થવાની હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અગામી 7મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા બીએપીએસના કાર્યકર સૂવર્ણ મહોત્સવમાં વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી હરિભાક્તો હાજર રહેશે. આ મહોત્સવ માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના સંતો દ્વારા મોદી સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી હતી. તેમ પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં સુરક્ષાને લઈ કચાસ ન રહે તે માટે અલગ-અલગ પ્લાનિંગ તૈયાર કરાયુ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવવાના હોવાની વિગતો હાલ પોલીસને મળી રહી છે. જેના આધારે તમામ પ્રોટોકોલ સચવાય અને સુરક્ષામાં સહેજ પણ કચાસ ન રહી જાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશ-વિદેશથી આવેલા 1 લાખ કાર્યકરો અને હરિભક્તો કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી કોઇ મોટી જગ્યાની જરૂર હતી. જેના કારણે અમદાવાદના સાબરમતીમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરાઇ છે. સંસ્થાએ સ્ટેડિયમને ભાડે રાખી લીધું છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બર આસપાસથી સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઇ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે.