રીપોર્ટ@અમદાવાદ: આજે 150 કાચા-પાકા મકાનો પર બૂલડોઝર ફર્યું, સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ગેરકાયદેસર ખડકાયેલા 150 કાચા-પાકા મકાનો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલિશન દરમિયાન પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોતાની નજર સામે જ ઘરો તૂટતા બાળાઓ અને મહિલાઓ રડી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની નજર સામે જ ઘર તબાહ થતાં જોઈને મહિલાઓ, બાળકો અને પુરુષો પણ રડી પડ્યાં હતાં. મહિલાઓની તો રડી રડીને હાલત ખરાબ થઈ જવા પામી હતી. આ દરમિયાન એક મહિલા બેભાન પણ થઈ ગઈ હતી.
સ્થાનિકોની માગ છે કે, અમે બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા આપવામાં આવી નથી. વર્ષોથી અમે અહીંયા રહેતા હોવા છતાં પણ અમને હવે મકાન ખાલી કરી દેવા કહેવામાં આવ્યું હતું. જો અમને બીજે ક્યાંય મકાન આપવામાં આવે તો અમે જવા માટે તૈયાર છીએ. રહીશોને અત્યારે હાલમાં ખુલ્લી જગ્યામાં રહેવાની ફરજ પડી છે.
કમલા તળાવ વિસ્તારમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જે મંદિરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું નહીં તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તલાવડીના વિસ્તારમાં આ મંદિર રહેવા દેવામાં આવશે. મંદિરનું ડિમોલેશન હાલ પૂરતું નહીં કરાય.ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારી વિક્રમ કાતરિયાએ જણાવ્યું હતું કે, કમલ તળાવ વિસ્તારમાં નાના મોટા 150 જેટલા મકાનો આવેલા હતા જેને તોડી પાડવામાં આવ્યા છે. આ જગ્યામાં રહેનારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે જાણ કરવામાં આવી છે. તેમના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તેમને જણાવવામાં આવ્યું છે.
કુબેરનગર વિસ્તારમાં આઈટીઆઈ રોડ પર આવેલા બળદેવનગરમાં કમલ તળાવ વિસ્તાર આવેલો છે. અહીં છેલ્લા અનેક વર્ષોથી આ તળાવની જગ્યામાં મકાનો અને ઝૂંપડા ઊભા કરી દેવામાં આવ્યા હતા. વોટર બોડીની જગ્યામાં રહેલા દબાણોને દૂર કરવા માટેની સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન પ્રક્રિયા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિરની બાજુમાં આવેલો એક વિશાળ બે માળનો બંગલો જેને તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણવામાં આવતું હતું. સ્થાનિકના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવામાં કોર્પોરેશનના દળને સવિશેષ મહેનત કરવી પડી હતી.

