રિપોર્ટ@અમદાવાદ: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, ગુજરાતમાં કરમુક્ત જાહેર

 
સાબરમતી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલા ટ્રેન અકસ્માતથી પ્રેરિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. વિક્રાંત મેસી સ્ટારર આ ફિલ્મમાં ટ્રેન દુર્ઘટનાની વાર્તાનું સત્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને દર્શકો અને ઘણા રાજકારણીઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી.

ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાતમાં ટેક્સફ્રી જાહેર કરી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી. આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશભરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે.