રીપોર્ટ@અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સ્કૂલ અને સંચાલકો સામે ફરિયાદ નોંધાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધાશે. જેમાં ક્રાઈમ બ્રાંચ ફરિયાદ માટે કોર્ટની મંજૂરી લેશે. તેમજ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચલાકો ગાયબ થયા છે.વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં.
વાલીઓને ધમકાવતા સેવન્થ ડે સ્કૂલના સંચાલકો ગાયબ થયા છે. છેલ્લા 2 દિવસથી વાલીઓ અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જેમાં વિરોધના માહોલ વચ્ચે સ્કૂલના કેમ્પસ અને બહાર પોલીસનો બંદોબસ્ત છે. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 15 વર્ષીય વિદ્યાર્થી નયન સિંધીની હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોની સંડોવણી સામે આવી છે, જેમાંથી એકે હત્યા આચરી હોવાનું જણાયું છે.
19 ઓગસ્ટ, 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીને ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થીએ થર્મોકોલ કટર (નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર)થી હુમલો કરીને હત્યા કરી હતી. આ હુમલો સ્કૂલના સમય પૂરો થયા બાદ બન્યો, જ્યારે નયન અને આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. નયનને પેટમાં છરીના ઘા ઝીંકાયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી સ્ટાફ, મૃતક નયનના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે.
તપાસમાં જાણવા મળ્યું કે હત્યા કરનાર સગીર છેલ્લા એક વર્ષથી થર્મોકોલ કટર પોતાની પાસે રાખતો હતો, જેનો ઉપયોગ તેણે આ હત્યામાં કર્યો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે 13 ઓગસ્ટ, 2025ના રોજ નયનના પિતરાઈ ભાઈ સાથે આરોપી સગીરનો ઝઘડો થયો હતો, જેમાં નયન અને આરોપી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો સીડી પર ધક્કો ખાવાની નાની ઘટનાથી શરૂ થયો હતો, જે પાછળથી અદાવતમાં ફેરવાયો. આ અદાવતને કારણે આરોપીએ 19 ઓગસ્ટના રોજ નયન પર હુમલો કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.