રિપોર્ટ@અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી છે એન્ટ્રી ફી?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ એક જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફ્લાવર શોમાં દેશ-વિદેશના 15 લાખથી વધુ ફ્લાવરનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી એન્ટ્રી ફી 70 રૂપિયા છે જ્યારે શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી 100 રૂપિયા રહેશે. આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે. સમગ્ર ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં કુલ 10 લાખથી વધુ ફૂલ, કૂલની 50થી વધુ પ્રજાતિ અને 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ થાય છે. પહેલા ઝોનને ભારતના આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે. ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથેની સસ્ટેનીબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનની સુંદર રજૂઆત કરવામાં આવી છે.
આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતુ. અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યકિત 75 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે.