રિપોર્ટ@અમદાવાદ: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં, 828 વેપારીઓને ફટકારી નોટિસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત બેદરકારી દાખવતા લોકો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે અને જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મોટા પાયે નોટિસો ફટકારવાની કામગીરી શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા છેલ્લા ૩ મહિના દરમિયાન જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપક સર્વે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન અનેક વ્યાપારીક એકમો, ગેરેજ અને દુકાનોમાં ખુલ્લામાં ભરેલા પાણી, ટાયરોમાં ભરાઈ રહેલું વરસાદી કે સાદું પાણી તેમજ મચ્છરોના જીવતા પોરા (લારવા) મળી આવ્યા હતા. મચ્છરોને પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રોગચાળાને આમંત્રણ આપતા આવા 828 જેટલા વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં સ્વરૂપે નોટિસો ફટકારવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડાઓ મુજબ, આ સમગ્ર નોટિસની પ્રક્રિયામાં સૌથી વધુ બેદરકારી દસક્રોઈ તાલુકામાં જોવા મળી છે. દસક્રોઈ તાલુકામાં સિંગલ હાઈએસ્ટ ૨૧૪ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જો વેપારીઓ કે સ્થાનિક લોકો નોટિસ મળ્યા બાદ પણ પોતાના પરિસરમાં પાણીનો ભરાવો દૂર નહીં કરે કે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા યોગ્ય પગલાં નહીં ભરે, તો તેમની સામે દંડનીય અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

