રિપોર્ટ@અમદાવાદ: ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટને પગલે આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરની સૂચનાથી તંત્ર દ્વારા 31મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આદેશ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે.
જેમાં તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરો તેમજ કોલેજો આ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.જિલ્લા વહીવટીતંત્ર અને DEO દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, રજા અંગેની માહિતી વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ સાથે જ અફવાઓથી બચીને આગામી સમયમાં તંત્ર દ્વારા મળતી માત્ર અધિકૃત સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દ્વારા સાવચેતીના પગલારૂપે AMC સંચાલિત તમામ આંગણવાડીઓ સોમવાર ત્રીજી ઓગસ્ટ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે AMC સંચાલિત તમામ આંગણવાડીઓમાં કામગીરી તા. 03 ઓગસ્ટ 2026 સુધી સ્થગિત રહેશે. વડોદરામાં પણ 31મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે. જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

