રીપોર્ટ@અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ, SOGનું સંયુક્ત ઓપરેશન, 400થી વધુ ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ કરીને, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કર્યું. આ ઓપરેશન દરમિયાન, 400 થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે 457 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસતા હોવાની આધારભૂત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યુ હતું. નાઈટ કોમ્બિંગ કરી ઘર તપાસી ગેરકાયદે વસવાટ કરતા લોકોની અટકાયત કરી મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી બધાનાં નિવેદન લેવામાં આવ્યા છે. હાલ બહારામપુરા વિસ્તારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકોની હકાલપટ્ટી કરવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ સક્રિય થઈ ગઈ છે. સુરત શહેરમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કર્યાનું સામે આવ્યું છે.