રિપોર્ટ@અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રીએ લવજેહાદ, ગૌ હત્યારા, ડિમોલિશન અંગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનાં નવા ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, VHP રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર, જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ, પ્રદેશ VHP પ્રતિનિધિઓ, સંતો-મહંતો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવજેહાદ, ગૌ હત્યારા અને ડિમોલિશનને લઈ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ લવજેહાદ અંગે નિવેદન આપતા કહ્યું કે, હવે સલીમ સુરેશ બની હિન્દુ યુવતીઓને નહીં ફસાવી શકે. આવા કિસ્સાઓમાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે અનેક કિસ્સામાં માતા-પિતાને દીકરી પરત કરી છે. તેમણે આગળ કહ્યું કે, ઓવૈસી તેમના ધર્મ માટે બોલી શકે તો હું દીકરીઓ માટે કેમ નહીં ? રાજ્યની ભોળી દીકરીઓનાં રક્ષણ માટે હું આ બોલું છું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી. ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે. રાજ્યમાં થતાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સરકારે ગેરકાયદે દબાણ કરનારા સામે કાર્યવાહી કરી છે. નાગરિકોનાં હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ ખાલી કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કચ્છમાં 2 હજાર એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવ્યો છે.