રીપોર્ટ@અમદાવાદ: ફ્લાઇટમાં ઇમર્જન્સી એક્ઝિટની પાછળ 11A સીટ પર બેસેલા પ્રવાસીનો ચમત્કારિક બચાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભયંકર અકસ્માત બાદ આ ફ્લાઇટમાં ઇમર્જન્સી એક્ઝિટની પાછળ 11A સીટ પર બેસેલા પ્રવાસી રમેશ વિશ્વાસકુમાર બુચરવડાનો ચમત્કારિક બચાવ થયો છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તે એ એક્ઝિટમાંથી કૂદીને વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. રમેશ વિશ્વાસકુમાર બ્રિટિશ નાગરિક છે.દુર્ઘટના પછી રમેશ ઍમ્બ્યુલન્સ તરફ ચાલતો દેખાય છે, જ્યારે આસપાસના લોકો તેને ઘેરી લે છે અને વિમાનમાં સવાર અન્ય લોકોના ભાવિ વિશે પ્રશ્નો પૂછે છે. રમેશ કહે છે કે વિમાનમાં વિસ્ફોટ થયો હતો. તેની આસપાસના લોકો જ્યારે તેને અન્ય મુસાફરોની સ્થિતિ વિશે પૂછે છે ત્યારે તે જવાબ આપે છે કે બધા અંદર છે.
અકસ્માતમાં બચી ગયેલા રમેશ વિશ્વાસકુમારે કહ્યું હતું કે 'ટેક-ઑફ કર્યા પછી તરત વિમાન એક જોરદાર અવાજ સાથે તૂટી પડ્યું હતું. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહ હતા. વિમાનના ટુકડા ચારે બાજુ વિખેરાયેલા પડ્યા હતા. જ્યારે મારી આંખ ખૂલી ત્યારે ચારે તરફ લાશો જ લાશો જોવા મળી હતી હું ડરી ગયો ઊભો થયો અન દોડવા માંડ્યો બધું એટલી ઝડપથી થયું કે મને કંઈ સમજવાનો મોકો જ ન મળ્યો મારો ભાઈ પણ મારી સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. કૃપા કરીને તેને શોધવામાં મને મદદ કરો.'
વિશ્વાસકુમારને છાતી, આંખો અને પગમાં ઈજા થઈ છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. ઍર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સમાં સીટ 11A ઇકૉનૉમી ક્લાસ કૅબિનની પહેલી હરોળમાં આવેલી છે. વિન્ડો-સીટ વિમાનની જમણી બાજુએ આવેલી છે અને વિમાનની પાંખોથી બે હરોળ આગળ છે. સીટ 11A દરવાજાની પાછળ આવેલી છે જે કટોકટીની પરિસ્થિતિઓમાં બહાર નીકળવાનું કામ કરે છે.