રીપોર્ટ@અમદાવાદ: SVP હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની SVP હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હૉસ્પિટલની સાથે હવે અર્ધસરકારી હૉસ્પિટલમાં પણ દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરુ કર્યું છે. SVPમાં કચ્છના દર્દીને કડવો અનુભવ થયો છે. જેમાં SVP હૉસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, પગ કપાવશો તો જ આયુષ્યમાન કાર્ડના પૈસા મળશે. જ્યારે દર્દીએ અન્ય કોઈ તબીબ પાસે ખાતરી માટે તપાસ કરાવી તો જાણ થઈ કે, પગ કપાવવાની તો જરૂરત જ નથી.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હૉસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરુ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કકાપવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે.
Svp હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલા બની હતી. પરંતુ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દા વિશે વાત કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શું આ પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે? આ મામલે SVP દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
આવી ઘટનાના કારણે રાજ્યની જનતા ખોફમાં છે. લોકો હૉસ્પિટલ જતાં પહેલાં પણ 100 વાર વિચાર કરે છે. જ્યાં જીવ બચાવવાની આશાએ ગયા હોય ત્યાં જ અમુક પૈસા માટે માણસના જીવ સાથે રમત કરવામાં આવતી હોય તો લોકો કોના પર વિશ્વાસ કરશે? ખાનગી હૉસ્પિટલ બાદ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હૉસ્પિટલનું સંચાલન થતું હોય ત્યાં પણ આવી ઘટના સામે આવે તો લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ક્યાં જશે? ખ્યાતિ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરતી ખાનગી હૉસ્પિટલ સામે ગાળિયો કસવાની વાત કરવામાં આવી હતી. અનેક ખાનગી હૉસ્પિટલ પાસેથી આયુષ્યમાન કાર્ડની માન્યતા પણ રદ કરી દેવામાં આવી છે.