રિપોર્ટ@અમદાવાદ: નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી, કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું

 
બેદરકારી

સરકારને રૂપિયા 33.10 લાખનો ફિઝૂલ ખર્ચ થવાનો અંદાજ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ બગડ્યું છે. સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી ડાંગરની સ્થિતિ જોઈ તમારુ લોહી ઉકળી ઉઠશે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં ગોડાઉનમાં રાખેલા સરકારી અનાજનો જથ્થો પલળી ગયો. ગોડાઉનમાં પાણી ઘૂસવાના કારણે ડાંગરની બોરી પલળી અને તેના કારણે તે જથ્થો સડી ગયો છે.

અધિકારીઓની ગંભીર બેદરકારી એ છે કે ગોડાઉન ભાડે રાખતી વખતે તે અનાજની સલામતી માટેના પાસાઓ ચકાસતા નથી. પરિણામે રાજ્યની પ્રજાના ટેક્સના પૈસે ખરીદેલું અનાજ સડી ગયું. જેમાં નાણાં અને અનાજ બંનેનું નુકશાન થયું છે. સરકારી રિપોર્ટ પ્રમાણે વિરમગામના ભાડે રાખેલા 3 ગોડાઉનમાં રાખેલી ડાંગરમાં અંદાજિત રૂપિયા 215 લાખનું નુકશાન થયું છે. હવે આ ડાંગરના જથ્થાને વિરમગામના ગોડાઉનમાંથી ખેસેડીને સાણંદના ગોડાઉનમાં ખસેડવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા પાછળ સરકારને વધુ રૂપિયા 33 લાખ 10 હજારનો ખર્ચ થશે.

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી ડાંગરનો સંગ્રહ કરવા માટે વિરમગામમાં બિલ્ડવેલ કોર્પોરેશન કંપનીના 3 ગોડાઉન ભાડે રાખ્યા હતા. સરકારી અંદાજ મુજબ હાલ ડાંગર પલળવાના કારણે રૂપિયા 215 લાખનું નુકશાન થયું છે. હવે ગોડાઉનમાંથી આ ડાંગર સાણંદ પાસેના ગોડાઉનમાં ખસેડવામાં આવી રહી છે. આ માટે પણ સરકારને રૂપિયા 33.10 લાખનો ફિઝૂલ ખર્ચ થવાનો અંદાજ છે. વિરમગામના ગોડાઉનમાંથી અંદાજિત 2 લાખ બોરી સાંણદ નજીકના ગોડાઉનમાં ખસેડવામાં આવી રહી છે.

ગોડાઉનથી ટ્રકમાં અને ટ્રકમાંથી ગોડાઉનમાં ચડાવવા અને ઉતારવા માટે સરકારે શ્રમિકોને મજૂરી પેટે એક બોરીની હેરફેર માટે રૂપિયા 8 ચૂકવવાનો અંદાજ છે. પરિણામે કુલ મજૂરી રૂ. 16 લાખ થવાનો અંદાજ છે. આ ઉપરાંત ટ્રાન્સપોટેશનનાં પણ લાખો રૂપિયાનો ખર્ચ સરકારને માથે આવ્યો છે. એક ટ્રકમાં 700 બોરી ભરાશે. તે મુજબ 2 લાખ બોરી માટે 285 ટ્રેક ભરાશે. એક ફેરાના અંદાજિત રૂ. 6 હજાર ચૂકવવામાં આવશે. તે હિસાબે ટ્રકના 285 ફેરા પાછળ સરકારે રૂ. 17 લાખ 10 હજાર ચૂકવવા પડશે. આમ અધિકારીની બેદરકારીએ સરકારને રૂ. 248.10 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.