રિપોર્ટ@અમદાવાદ: વધુ એક નકલી અધિકારી ઝડપાયો, સરકારી બાબુ હોવાની ઓળખ આપી લાખોની ઠગાઈ આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. મેહુલ શાહ નામનો આરોપી અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. ભાંડો ફૂટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી છે.
શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહુલે સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માગી હતી. પ્રતીકે મેહુલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.
આરોપી મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મેહુલ શાહે ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી છે. તેણે એક વ્યક્તિને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં ક્લાર્ક તરીકે લગાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો. આ અંગે ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો.પોલીસ તેની ધરપકડ કરી આવી અન્ય કેટલી અને ક્યાં ક્યાં ઠગાઈ કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે. શક્ય છે કે મેહુલ શાહનો ભાંડો ફૂટી જતા ભોગ બનેલા અન્ય લોકો પણ પણ મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવા આવી શકે છે.