રિપોર્ટ@અમદાવાદ: મંજૂરી વગર ચાલતા 78 ઔદ્યોગિક એકમો સીલ કરવાનો આદેશ

 
આદેશ
ડેપ્યુટી કમિશનરોને કેમિકલયુક્ત દૂષિત પાણી છોડતા અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ધમધમતા ૭૮ જેટલા ઈન્ડસ્ટ્રીયલ એકમોને સીલ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. રાત્રિના અંધારાનો લાભ લઈ વિવિધ એકમો દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતી મ્યુનિસિપલ કોર્પોરેશનની સીવેજ લાઈનમાં કેમિકલયુકત પાણી છોડવામા આવી રહયુ છે જેને બંધ કરવા પાણી અને ડ્રેનેજના કનેકશન પણ કાપવામા આવશે.

સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા અંગે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામા મળેલી વીકલી રીવ્યુ બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી. શહેરના દક્ષિણ અને પૂર્વ ઝોનમાં આવેલા વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા તેમના એફલુઅન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનની સીવેજ લાઈનમાં રોકવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરવા તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપવામા આવી હતી.

બેઠકમાં નારોલ વિસ્તારમાં ૭૮ ઈન્ડસ્ટ્રીયલ એકમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ધમધમતા હોવાની વાત સામે આવતા મંજૂરી વગર ચાલતા તમામ એકમ સામે કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનરે સુચના આપી હતી.સાબરમતી નદીના પ્રદૂષણને રોકવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ નારોલ, દાણીલીમડા સહિતના અન્ય વિસ્તારમાં ચાલતા ઈન્ડસ્ટ્રીયલ એકમો સામે કાર્યવાહી કરી હતી. થોડા સમય પછી સીલ કરાયેલા એકમોના સીલ ખોલી નાંખવામાં આવ્યા હતા.

સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ.-૯૮-૨૦૨૧ની સુનવણી ચાલી રહી છે.શહેરના દક્ષિણ તથા પૂર્વ ઝોનમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા છોડવામા આવતા એફલુઅન્ટની તપાસ કરવા તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અન્ય અધિકારીઓને ત્રણ શિફટમાં વધારાની કામગીરી સોંપવામા આવી છે. ૧૯ જુલાઈથી ૧૬ ઓગસ્ટ સુધી સવારના ૬થી બપોરના ૨ે, બપોરના ૨થી રાત્રિના ૧૦તથા રાત્રિના ૧૦થી સવારના ૬ કલાક સુધી ટીમ વાઈસ ફરજ સોંપાઈ છે.