રિપોર્ટ@અમદાવાદ: વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમના નવનિર્મિત માસ્ટરપ્લાનનું કરશે અનાવરણ

 
ગાંધી આશ્રમ

કેન્દ્ર અને ગુજરાત સરકાર મળીને 1200 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બનાવી રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

PM નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ગાંધી આશ્રમ સ્મારક અને વિકાસ પ્રોજેક્ટના માસ્ટરપ્લાનનું અનાવરણ કરશે. ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચના 94 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે તેઓ 1200 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.  આશ્રમ તરફ જતા આશ્રમ માર્ગને પુનર્વિકાસના કામ માટે 12 માર્ચથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે અને ટ્રાફિક માટે વૈકલ્પિક રસ્તો ખોલવામાં આવશે.

12 માર્ચના રોજ તેઓ આશ્રમની મુલાકાત લેશે, મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે, વિઝિટર બુકમાં તેઓ નોંધ લખશે તેમજ સ્મારક અને પ્રોજેક્ટ માટેના નવા માસ્ટરપ્લાનના પેનલ પ્રદર્શનનું અનાવરણ કરશે. તેઓ વૃક્ષારોપણ કરે તેવી પણ શક્યતા છે. આ પછી તેઓ જાહેર સભાને સંબોધન કરશે.આ પ્રોજેક્ટના ભાગરૂપે, 250થી વધારે કુટુંબો કે જેમાંના મોટા ભાગના મહાત્મા ગાંધીએ 1917માં આશ્રમમાં સ્થાપના કરી ત્યારે લાવ્યા હતા તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે. કાનૂની મામલાના કારણે બે પરિવારોનું પુનર્વસન કરવાનું બાકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પુનર્વસન કરાયેલા પરિવારોને 12 માર્ચના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે.