રીપોર્ટ@અમદાવાદ: કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું, કહ્યું 'ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કર્યા'

 
કોંગ્રેસ ઉમેદવાર
તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. બીનાબેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે 25 લાખ રૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણને ફગાવીને બીનાબેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે છે, અને તેઓ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે.

મહત્વનું છે કે, બીનાબેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને પૂછવા ફોન કર્યા હતા, પણ તેમણે કોઈ જવાબ આપ્યા ન હતા. બીનાબેન મોદીએ જણાવ્યું કે, મેં ગત 11 તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારા અંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તો આખો દિવસ ફોન ચાલુ રહ્યા જ્યારે મેં તપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાં ન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.

તમને વધુમાં જણાવ્યું કે, 'હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને ક્યારેય ભાજપમાં ન હતી. મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચ આપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે'.