રીપોર્ટ@અમદાવાદ: સાબરમતી નદી ભયજનક સપાટીની નજીક, રિવરફ્રન્ટ પાણીમાં ડૂબ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. સાબરમતી નદી હવે જોખમી સ્તરથી માત્ર બે ફૂટ દૂર રહી ગઈ છે. એટલે કે સાબરમતી નદીનું જળસ્તર હાલમાં 130 ફૂટ થઇ ચૂક્યું છે. જ્યારે તેનું ભયજનક જળસ્તર 132 ફૂટ માનવામાં આવે છે.
રિવરફ્રન્ટ પણ પાણીમાં ડૂબી ગયો છે. ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. વૉક વે પણ પાણીમાં ગરકાવ છે. ફરી એકવાર ખતરનાક જીવ નદીમાંથી બહાર દેખાવા લાગ્યા છે. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું. સંતો સરોવર પાસે સપાટી 53 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે. સંત સરોવરના તમામ દરવાજા ખોલી 92700 ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી.
રિવરફ્રન્ટના વૉક વેની વાત કરીએ તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સાથે ફરી એકવાર સાપ અને પાણીમાં રહેતા ખતરનાક જીવ ફરી બહાર કિનારે નદીમાંથી આવવા લાગ્યા છે. આ દરમિયાન બનાસકાંઠાના દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદી વચ્ચે ફસાયેલા 8 લોકોને ફસાયા હતા. જેમને SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.