રીપોર્ટ@અમદાવાદ: શેલા વિસ્તારમાં પાણીમાં ફસાઈ સ્કૂલ બસ, હજુ બે કલાકમાં બૂમ પડાવશે વરસાદ
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આજે સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે.શેલામાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ જતાં તેમાં સવાર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બીજી તરફ આગામી બે કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે.
શહેરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. શરૂઆતના બે કલાક દરમિયાન જ અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વટવા અને લાંભામાં માત્ર બે કલાકમાં આશરે પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે શેલા વિસ્તારમાં પાણી ભરાતાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં ફસાઈ હતી. બસમાં બાળકો સવાર હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. શહેરમાં વરસાદની તીવ્રતા અને રસ્તાઓ પર ભરાયેલા પાણીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે.આગામી બે કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે.
છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે. સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 15 મીમી પ્રતિ કલાકથી વધુ વરસાદ પડવાની સંભાવના સાથે બંને વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. વરસાદના આ જોરને કારણે શહેરના પોશ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.ભારે વરસાદ સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અંધારપાટ છવાઈ ગયો હતો. હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર અને ઈસ્કોન વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. એસ.જી. હાઈવે પર વરસાદ અને અંધકારના કારણે વિઝિબિલિટી ઘટી હતી. પરિણામે નોકરી-ધંધા માટે નીકળેલા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સ્થિતિ પણ બગડી હતી.પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી વરસાદી માહોલ રહ્યો હતો.
નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં એકસાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે જનજીવનને અસર પહોંચી હતી.વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ જાળવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

