રીપોર્ટ@અમદાવાદ: પેલેડિયમ મોલમાં તોડફોડ, ભગવા સેનાએ ક્રિસમસ સેલિબ્રેશન મામલે વિરોધ નોંધાવ્યો
પોલીસે કાર્યકરોની અટકાયત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં આજે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલા શણગારનો વિરોધ થતા વાતાવરણ ગરમાયું હતું. ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં લાગેલા ડેકોરેશન સામે વિરોધ કર્યો હતો. અને ક્રિસમસ ટ્રીને તોડી પાડ્યું હતું. ભગવા સેનાના સભ્યોએ મોલની અંદર લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓનો દાવો હતો કે આ પ્રકારનું પ્રદર્શન તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
પરિસ્થિતિ વધુ ન બગડે તેથી મોલ મેનેજમેન્ટ દ્વારા વિરોધ દરમિયાન જ ડેકોરેશન હટાવી લેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા બદલ પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા કાર્યકરોને વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'સ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી છે અને કોઈ અપ્રિય ઘટના બની નથી. મોલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવાયો છે.'પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને પ્રદર્શનના સંદર્ભમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેની આકારણી કરવામાં આવી રહી છે.

