રીપોર્ટ@અમદાવાદ: સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, રિવરફ્રન્ટ વોક-વે બંધ કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે.
ધરોઈ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થતાં તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આ પાણી સાબરતી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ સિવાય ગાંધીનગના સંત સરોવરમાંથી પણ 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને 31 હજાર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવર ફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવર ફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવર ફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે.

